Kheda: ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં બાદ વિવાદ વકર્યો હતો. જો કે રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થીને અંતે કિંજલ રબારી પરત ફરી ચૂકી છે.
એવામાં હવે ખેડા જિલ્લામાં પાટીદાર સમાજની દીકરીએ રબારી યુવક સાથે કરેલા પ્રેમલગ્નને લઈને વિવાદ ઉભો થયો છે. જેમાં યુવતીની માતાએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતાની વ્યથા ઠાલવી છે.
આ પણ વાંચો
લસુન્દ્રા ગામની પાટીદાર યુવતીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં (Kheda Love Marriage Controversy)
આ અંગે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામમાં રહેતી પાટીદાર મહિલાએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને રડતા-રડતા રબારી સમાજના અગ્રણી ઠાકરશીને પોતાની દીકરી પાછી આપવા માટે વિનંતી કરી છે.
મહિલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, મારી દીકરી કોલેજ જવા નીકળી હતી, પરંતુ તે બપોરે પાછી ના ફરતા અમે ફોન કર્યો હતો. જો કે દીકરીનો ફોન સ્વીચ ઑફ આવતા અમે શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી દીકરીની કોઈ ભાળ ના મળતા આખરે અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની તપાસ દરમિયાન બે-ચાર દિવસ બાદ અમને જાણવા મળ્યું કે, મારી દીકરીએ રબારી સમાજના પિયુષ નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે. મારી મરજી વિના કરવામાં આવેલા આ લગ્ન મને મંજૂર નથી.
ઠાકરસી બાપા તમે તમારા બોલ પાળી બતાવો (Thakarshi Rabari)
વધુમાં મહિલાએ રબારી સમાજના આગેવાન ઠાકરશી બાપાને નમ્ર વિનંતી કરતાં જણાવ્યું કે, હવે તમે મને મારી દીકરી પાછી લાવી આપો. તમે જ કહ્યું હતું કે, કોઈ પણ સમાજની દીકરી લેવી નહીં કે કોઈ સમાજને દીકરી દેવી નહીં. હવે તમે તમારા બોલને પકડી રાખો. મને મારી દીકરી પાછી લાવી આપો તો જ તમે રબારી સમાજના ઠાકરસી ખરા.
બીજા કોઈ સમાજની દીકરીને ભગાડીને લગ્ન કરવા યોગ્ય નથીઃ ઠાકરશી રબારી
કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્નને લઈને રબારી અને ચૌધરી સમાજના આગેવાનોએ મળીને વચલો રસ્તો કાઢ્યો હતો. જે બાદ સમજાવટના અંતે કિંજલ રબારી પોતાના માતા-પિતાના ઘરે પરત ફરી હતી. જેને રબારી સમાજની એકતાની જીત ગણાવતા ઠાકરસી ભાવુક થઈ ગયા હતા.
તેમણે ભીની આંખે માત્ર રબારી જ નહીં, પરંતુ દરેક સમાજની દીકરીઓને વિનંતી કરી હતી કે, કોઈ પણ દીકરી મા-બાપ દુખી થાય તેવી કોઈ વ્યક્તિ સાથે લગ્ન ના કરે. ઘરેથી લગ્ન કરવા દીકરી ભાગી જાય, ત્યારે ઘણાં બાપાએ આપઘાત કર્યા હોય તેવા પરિવારો મેં જોયા છે. સમાજમાં આવા પરિવારો જીવવાને લાયક નથી રહેતા.
આ સાથે જ તેમણે રબારી સમાજના યુવાનોને જવાબદારીપૂર્વક વર્તવાની અપીલ કરતા જણાવ્યું કે, કોઈ પણ બીજા સમાજની દીકરીને ભગાડીને લગ્ન કરીને લાવવી યોગ્ય નથી. આવા પગલાંથી બે સમાજો વચ્ચે તણાવ ઉભો થઈ શકે છે.
ઠાકરશી રબારીએ રબારી સમાજના યુવાનોને અપીલ કરતાં કહ્યું કે કોઈપણ અન્ય સમાજની દીકરીને ભાગેડું લગ્ન કરીને લાવવું યોગ્ય નથી. આવા પગલાંથી સમાજોમાં તણાવ ઊભો થવાની શક્યતા રહે છે, તેથી યુવાનોને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.
