Kheda Crime News: ખેડા જિલ્લાના લવાલ ગામે બનેલી મારામારીની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહ સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સામસામે નોંધાયેલી ફરિયાદ બાદ આ મામલે ભારે ચર્ચા જાગી છે અને પોલીસ તપાસ કરી રહી છે.
કેવી રીતે અને કઈ બાબતે થયો હતો વિવાદ?
આ પણ વાંચો
લવાલ ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓનડિયાદ ખાતે કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે પોતાની સાથે અભ્યાસ કરતી એક યુવતીને ધર્મની બહેન માને છે અને આશરે દોઢેક મહિના પહેલાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ બાબતની જાણ જયપાલસિંહસંજયસિંહ ચૌહાણને થતાં તેઓ બોલાચાલી કરતા હતા, અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
માથામાં પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડી
ગત 26 સપ્ટેમ્બરના રોજ રાત્રીના આશરે 9 વાગ્યે મહાવીરસિંહ ગામના બગીચા પાસે બેઠા હતા. તે સમયે જયપાલસિંહ સંજયસિંહ ચૌહાણ, કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણ, મુકેશ સરદારસિંહ ચૌહાણ, આર્યન અમિત રાઠોડ અને રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ચૌહાણ એકસાથે ભેગા થઈને ત્યાં પહોંચ્યા હતા.
આ દરમિયાન કૃષ્ણપાલસિંહે પોતાના હાથમાં રહેલી લોખંડની પાઈપ મહાવીરસિંહના માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. માથામાંથી લોહી વહેવા લાગતા સ્થાનિક લોકોએ સ્થળ પર આવીને મહાવીરસિંહને છોડાવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા મહાવીરસિંહને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહિલાઓને સાથે રાખી ઘરે આવ્યાનો આક્ષેપ
ફરિયાદી મહાવીરસિંહે વધુમાં આક્ષેપ કર્યો છે કે, આ હુમલાના બીજા દિવસે આરોપી કૃષ્ણપાલસિંહના માતા અને મહિપતસિંહ ચૌહાણના પત્ની પારૂલબેન ચૌહાણ, જેઓ હાલ લવાલ ગામના સરપંચ છે, અન્ય ફરિયાદીની માતા તથા 50 જેટલી મહિલાને સાથે રાખીને ફરિયાદીના ઘરે હુમલો કરવા ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું કહેવાય છે.
મહાવીરસિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સામેવાળા પક્ષે નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે. તેમાં એવો આક્ષેપ છે કે તેઓ સંકુલ કે વૃદ્ધાશ્રમનો વિરોધ કરે છે, પરંતુ એવી કોઈ બાબત નથી. તેઓ સમૂહલગ્ન કરાવે છે તે સરાહનીય બાબત છે, પરંતુ "દેવતાનો છોકરો કોલસા હોય" કહેવત મુજબ મહિપતસિંહ ચૌહાણ પોતે ખૂબ સારું કામ કરે છે પણ તેમનો દીકરો ગુંડાગીરી આચરે છે.
માતર પોલીસ મથકે 5 આરોપી સામે FIR
મહાવીરસિંહની ફરિયાદના આધારે માતર પોલીસ સ્ટેશનમાં લવાલના 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
- જયપાલસિંહ સંજયસિંહ ચૌહાણ
- કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણ
- મુકેશભાઈ સરદારસિંહ ચૌહાણ
- આર્યન અમિતભાઈ રાઠોડ
- રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ચૌહાણ
સામસામે પોલીસ ફરિયાદ, તપાસ શરૂ
આ પહેલાં સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહે પણ માતર પોલીસ સ્ટેશનમાં લવાલના જ 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કૃષ્ણપાલસિંહના જણાવ્યા મુજબ, તેઓ પોતાના પિતા દ્વારા કરવામાં આવતી સામાજિક સેવાના વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરે છે. આ બાબતની અદાવત રાખીને ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ તેમજ હંસરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા સોશિયલ મીડિયામાં પોસ્ટ કે રીલ્સ ન મૂકવા બાબતે તેમની સાથે ઝઘડો કરતા હતા.
કૃષ્ણપાલસિંહની ફરિયાદ અનુસાર, ગત 26 સપ્ટેમ્બરના રોજ રાત્રે તેઓ ગામના ગેટ પાસે ઉભા હતા, ત્યારે મહાવીરસિંહ હાથમાં લોખંડની પાઈપ લઈને અન્ય 8 શખ્સોની ગેરકાયદે મંડળી સાથે ત્યાં આવ્યા હતા. આ વખતે રીલ્સ મૂકવા બાબતે અપશબ્દો બોલી મહાવીરસિંહે લોખંડની પાઈપ કૃષ્ણપાલસિંહના માથામાં મારી હતી. બૂમાબૂમ થતા વચ્ચે પડેલા તેમના કાકા અને મિત્રને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ કૃષ્ણપાલસિંહને એમ્બ્યુલન્સ મારફતે ખેડાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
