Kheda Mahudha Demolition News: ખેડા જિલ્લાના મહુધા શહેરમાં તાજેતરમાં એક હિન્દુ યુવક પર થયેલા જીવલેણ હુમલાની ઘટના બાદ વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. અસામાજિક તત્વોમાં કાયદાનો ડર બેસાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે મહુધાના ફીનાવ ભાગોળ સહિતના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહુધા વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક હિન્દુ યુવક પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને 3 મુખ્ય આરોપીઓ સામે સત્તાવાર રીતે FIR નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર ફોજદારી ગુનો નોંધીને અટકી જવાના બદલે તંત્રએ અસામાજિક તત્વોની ગેરકાયદે સંપત્તિ સામે પણ કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી હેઠળ ખેડા જિલ્લા પોલીસ વડાની સીધી આગેવાની અને દેખરેખ હેઠળ અંદાજે 250થી વધુ પોલીસ જવાનોનો કાફલો મહુધામાં તૈનાત કરવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે DySP, PI અને PSI સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક તંત્ર, સ્ટેટ રોડ અને બિલ્ડિંગ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા JCB અને બુલડોઝરની મદદથી મહુધા ચોકડી, ફીનાવ ભાગોળ તથા તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલા આશરે 48 જેટલા કાચા-પાકા ગેરકાયદે દબાણો અને દબાણકર્તાઓના ગેરકાયદે બાંધકામ પર હથોડો ઝીંકી દેવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ કાર્યવાહી દરમિયાન સરકારી જમીનો પરથી તમામ ગેરકાયદેસર કબ્જા હટાવી લેવામાં આવ્યા હતા.
