Kheda News: ખેડા જિલ્લાનાં ડાકોર ખાતે ઓવર બ્રિજ નીચે સુઈ રહેલા 35 વર્ષીય શ્રમિકની ઘાતકી હત્યા કરી દેવાઈ છે. કોઇ અજાણ્યા ઇસમે રાત્રિના સમયે શ્રમિકની નિર્મમ હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે શ્રમિકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
શ્રમિક ભાઈ-બહેન કચરો વીણીને ગુજારો કરતાં
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, સેવલિયા ખાતે રહેતા 35 વર્ષીય દિનેશભાઈ કેશુભાઈ હાથળીયા મજૂરી કામ કરીને પોતાના પોતાના પરિવારનું પોષણ કરતાં હતા. બે દિવસ પહેલા યુવક ડાકોર ખાતે પોતાની બહેન પીલુબેન પાસે આવ્યા હતા. બહેનનો તેનો પતિ રાખતો ન હોવાથી બંને ભાઈ-બહેન શહેરમાં પ્લાસ્ટિકનો કચરો વીણીને રાત્રિના સમયે મહાકાળી મંદિર સામે બ્રિજ નીચે સુઇ રહેતા હતા.
રાત્રિના સમયે યુવકની હત્યા કરી દેવાઈ
શનિવારના રોજ પણ નિત્યક્રમ મુજબ, ભાઈ-બહેન બને કચરો વીણીની સુઈ ગયા હતા. બીજા દિવસે બહેન પીલુબેન પાંચ વાગ્યે જાગીને ડાકોર બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ગયા હતા. પરંતુ તેઓ જેવા ચા પીને પરત આવ્યા તો નજારો જોઇને બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીલુબેને જોયું કે, દિનેશભાઈના માથા પર એક મોટો પથ્થર પડેલો છે. પથ્થર હટાવતા તેના માથા પરતી લોહી વહી રહ્યું હતું.
બહેને ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
પીલુબેને એક રાહદારી પાસેથી ફોન કરાવીને 108 બોલાવી હતી. જેમાં એમ્બ્યુલન્સ કર્મીએ યુવકને તપાસતાં તેનું મોત થયાનું સામે આવ્યું હતું. જેથી કોઇ અજાણ્યા વ્યક્તિએ શ્રમિકની ઘાતકી હત્યા કરી દેતાં આ મામલે બહેન પીલુબેન વિજયભાઈ પરમારે ડાકોર પોલીસ મથકમાં અજાણ્યા આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
