ખેડા: ડભાણ પાસે નેશનલ હાઇવે 48 પર કેટલ ફીડની ફેક્ટરીમાં ભીષણ આગ, 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં

ખેડા જિલ્લાના ડભાણ પાસે નેશનલ હાઇવે 48 પર કેટલ ફીડ ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી, 3 વોટર બ્રાઉઝરથી 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 02:14 PM (IST)Updated: Sun, 27 Sep 2026 02:14 PM (IST)
kheda-dabhan-national-highway-48-cattle-feed-factory-massive-fire-4-hours-fire-brigade-control

Kheda News: ખેડા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ડભાણ નજીક મોડી રાત્રે એક મોટી આગની ઘટના સામે આવી છે. ડભાણ પાસે આવેલી અને પશુ આહાર બનાવતી એક જાણીતી ફેક્ટરી તથા તેના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે અંદાજે 3:00 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી.

કેવી રીતે લાગી આગ?

મળતી માહિતી મુજબ, આ ફેક્ટરીમાં પશુ આહાર (કેટલ ફીડ) તૈયાર કરવા માટે વેસ્ટેજ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ વેસ્ટેજ મટીરિયલ અને પશુ આહારનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનમાંથી આકાશમાં ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા અને અગનજ્વાળાઓ ઊઠતી જોઈ આસપાસના લોકો તેમજ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી

ઘટના અંગે નડિયાદ ફાયર બ્રિગેડને તુરંત જ જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને નડિયાદ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઇટરો દ્વારા 3 વોટર બ્રાઉઝર અને 1 ફાયર ફાઇટર વાહન સહિતની મદદથી આગ પર ચારેય તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આગ એટલી વિકરાળ હતી કે, તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ સખત જહેમત ઉઠાવવી પડી હતી. આશરે 4 કલાકની સતત અને ભારે કામગીરી બાદ વહેલી સવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.

સદનસીબે મોટી જાનહાનિ ટળી

આ ઘટના મોડી રાત્રે બની હોવાથી અને ગોડાઉનમાં મજૂરોની હાજરી ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી, જેણે મોટી રાહત આપી છે. જોકે, ફેક્ટરી અને ગોડાઉનમાં રહેલો પશુ આહારનો મોટો જથ્થો તથા કાચો માલ બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આગ લાગવાનું કારણ અકબંધ

હાલમાં આ ભીષણ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે, પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.