Gujarat Janmashtami 2026: ગુજરાતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવને લઈને ભારે ઉમંગ અને પવિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજરોજ સવારથી જ રાજ્યના તમામ જાણીતા તીર્થક્ષેત્રો અને નાના-મોટા કૃષ્ણ મંદિરોમાં હરિભક્તોની ભારે ભીડ જોવા મળી છે. "નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી" નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું છે. રાત્રે 12 વાગ્યે કાનુડાના પ્રાગટ્ય અને ભવ્ય મહાઆરતી માટે શ્રદ્ધાળુઓમાં ભારે આતુરતા અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રાજાધિરાજ શ્રી રણછોડરાયજીના દરબારમાં આ પર્વ નિમિત્તે ભક્તિનો અનોખો પ્રવાહ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ પદયાત્રીઓ અને વાહનો દ્વારા લાખોની સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે. આખું મંદિર પરિસર "જય રણછોડ, માખણ ચોર"ના નાદથી ગુંજી રહ્યું છે. આકર્ષક રોશની તથા રંગબેરંગી ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
લાખોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. ડાકોર મંદિર ખાતે રેન્જ IG વત્સ પોતાના પરિવાર સાથે ભગવાનના દર્શને આવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. તેમની સાથે ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પણ ઉપસ્થિત રહી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તરફ, સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી સ્થિત ઈસ્કોન મંદિરમાં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં ભગવાન શ્રી રાધાશ્યામ સુંદરને દિવ્ય વસ્ત્ર અને પુષ્પોથી અલૌકિક શણગાર સજાવવામાં આવ્યો છે. આખો દિવસ "હરે કૃષ્ણ" મહામંત્રના સંકીર્તનથી મંદિર પરિસર આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયું છે, જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ઉત્સાહપૂર્વક ઉત્સવમાં સહભાગી થઈ રહ્યા છે.
