Dakor Janmashtami Celebration 2026: યાત્રાધામ ડાકોરના પ્રખ્યાત અને આસ્થાનું કેન્દ્ર સમાન શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.
આગામી શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2026ના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ અતિ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ પાવન અવસરે લાખોની સંખ્યામાં હરિભક્તો ડાકોર પહોંચીને રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવશે તેવી વ્યાપક શક્યતા છે.
મંદિરના સેવક આઠ આગેવાન ભાઈઓ તેમજ મંદિર મેનેજરની ઉપસ્થિતિમાં અને સહમતિથી જન્માષ્ટમી મહોત્સવના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને દર્શનના સમયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વિશેષ ઉત્સવને લઈને ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દર વર્ષે જન્માષ્ટમીના દિવસે ડાકોરમાં ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, જેને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે.
4 સપ્ટેમ્બરે યોજાનાર કૃષ્ણ જન્મ મહોત્સવના દર્શનનો સમય અનેક તબક્કામાં વહેંચવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ ભક્તો બાધા વગર ઠાકોરજીના દર્શનનો લાભ લઈ શકે. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાનના પ્રાગટ્ય દર્શન અને મંગળા આરતીથી લઈને સમગ્ર દિવસ દરમિયાન મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહેશે. આ દિવસે મંદિરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ભજનોની સરવાણી પણ વહેશે, જે વાતાવરણને સંપૂર્ણપણે કૃષ્ણમય બનાવી દેશે.
પરંપરાગત રીતે જન્માષ્ટમીના બીજા દિવસે 'પારણા'નો પવિત્ર પ્રસંગ યોજાશે. આ વિશેષ દિવસે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગુંજારવ સાથે ઠાકોરજીને પારણે ઝુલાવવામાં આવશે. પારણાના દર્શનનું પણ હિન્દુ ધર્મમાં અનેરું મહાત્મય છે અને આ દર્શન માટે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પારણાના દર્શન અને પૂજા-વિધિના સમયની પણ સ્પષ્ટતા કરી દેવાઈ છે, જેથી ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
ભક્તોની ભારે ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ડાકોર પોલીસ અને મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દર્શનાર્થીઓને સરળતાથી લાઈનમાં દર્શન મળી રહે તે માટે સ્વયંસેવકો અને સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. પેયજળ, આરોગ્ય અને પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ તંત્ર સજ્જ બન્યું છે, જેથી આ મહાપર્વ સુચારુ રૂપે સંપન્ન થઈ શકે.
