Tankara Water Tank Collapsed: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હીરાપર ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ગામમાં 20 વર્ષ જૂની અને 50,000 લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી તોડતી વખતે તે નિયત જગ્યાએ પડવાને બદલે વિરુદ્ધ દિશામાં આવેલા મકાન અને દુકાન પર પડી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
ભારે આર્થિક નુકસાન, જાનહાનિ ટળી
આ ટાંકી રજનીભાઈના મકાન અને દુકાન પર પડી હતી. ત્યારે તેમાં રાખેલુંફ્રીઝ, કરિયાણાનો સામાન અને ફર્નિચર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઉપરાંત મકાનની દીવાલ, સોલાર વોટર હીટર, છજ્જુ અને છતને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે.
તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપ
ગામ લોકોના જણાવ્યા મુજબ, જ્યારે ટાંકી તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ત્યાં કોઈ જવાબદાર અધિકારી કે પોલીસ બંદોબસ્ત હાજર નહોતો. સ્થાનિક રહેવાસીએ આક્ષેપ કર્યો હતો કે, "અમે કોન્ટ્રાક્ટરના માણસોને ચેતવ્યા હતા, પણ તેઓમાન્યા નહીં અને ઉદ્ધત જવાબ આપ્યો હતો." હીરાપર ગામના ઉપસરપંચે પણ આ ઘટના માટે બેદરકારીને જવાબદાર ઠેરવી છે અને મકાન માલિકને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરી છે.
સંબંધિત અધિકારીઓનું શું કહેવું છે?
ટંકારા તાલુકા પંચાયતના TDO ગૌતમ ભીમાણીએ જણાવ્યું કે, હીરાપર ગ્રામ પંચાયતે મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા નામના કોન્ટ્રાક્ટરને ટાંકી તોડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર કે.પી. બલદાણીયાના મતે, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સંકલન હેઠળ આ કામગીરી ચાલતી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હાલમાં તલાટી મંત્રીએ પંચ રોજકામ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
