મોરબીમાં પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો! 2 માસમાં ઝાડા-ઉલટીના 637 કેસ, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

મોરબીમાં દૂષિત પાણી અને ગંદકીના કારણે ઝાડા-ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. 2 મહિનામાં 637થી વધુ કેસ નોંધાયા છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 20 Aug 2026 11:45 AM (IST)Updated: Thu, 20 Aug 2026 11:45 AM (IST)
morbi-waterborne-disease-outbreak-diarrhoea-vomiting-cases-health-crisis

Morbi News: મોરબી જિલ્લા અને શહેરમાં વિલંબિત ચોમાસા અને સતત બદલાતા હવામન વચ્ચે દૂષિત પાણી અને ગંદકીના કારણે ભારે રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વિતેલ બે માસમાં જ ઝાડા અને ઉલ્ટીના 637થી વધારે સત્તાવાર કેસો નોંધાયા છે. શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે.

ઝાડા-ઉલ્ટીના કેસોમાં થયો વધારો

ગત 24 ઓગસ્ટથી પડેલા ભારે વરસાદ બાદ વાતાવરણમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે. ભેજયુક્ત ગરમી, વાદળછાયું વાતાવરણ અને પીવાના દૂષિત પાણીના પુરવઠાને કારણે પાણીજન્ય બીમારીઓએ માથું ઉંચક્યું છે. ઝાડા-ઉલ્ટી ઉપરાંત સાદો અને ઝેરી કમળો, મરડો જેવા રોગોના કેસોમાં સતત વધારો થયો છે. તબીબોના જણાવ્યા પ્રમાણે મુખ્યત્વે ઝાડા-ઉલટીના કેસો વધ્યા છે. જો ગંદકી અને દૂષિત પાણીની સમસ્યાનું જલદી નિવારણ નહીં આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે.

હોસ્પિટલમાં રોજ 50થી 100 કેસો

સ્થાનિક જનરલ પ્રેક્ટિશનર ડો. મયુર સદાતીયાના જણાવ્યા મુજબ, મોરબીની નાની મોટી હોસ્પિટલોમાં રોજના 50થી 100 જેટલા નવા કેસો સામે આવી રહ્યા છે. કેટલાક દર્દીઓને સામાન્ય સારવાર બાદ રજા અપાય છે. જ્યારે ગંભીર કેસોમાં 5 કે તેથી વધારે દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે.

નાગરિકોએ તરત પગલા લેવા માંગ કરી

એક તકફ આરોગ્ય અધિકારી ડો. ડી.વી બાવરવા કોઈ સત્તાવાર રોગચાળો ન હોવાનું જણાવી રહ્યા છે, તો બીજી બાજુ સ્થાનિક નાગરિકો જન્માષ્ટમી પહેલા કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા ફૂડ ચેકિંગ, પાણીપુરી અને લારી-ગલ્લા પર તપાસ અને મચ્છર નિયંત્રણની કામગીરી તાકીદે શરુ કરવામાં આવે તેવી લોકમાંગ છે.