મોરબીમાં દારૂના નશામાં પતિએ ઊંઘતી પત્નીની ઘણનો ઘા ઝીંકી કરી હત્યા, પુત્રીએ ખોલ્યો પિતાનો પોલ

મોરબીના રફાળીયા રોડ પર આવેલી ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પતિએ નશાની હાલતમાં ઊંઘતી પત્નીની ઘણ મારીને હત્યા કરી. પુત્રીએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાનું સત્ય ઉજાગર કર્યું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 17 Aug 2026 11:10 PM (IST)Updated: Mon, 17 Aug 2026 11:10 PM (IST)
morbi-drunk-husband-kills-sleeping-wife-with-hammer

Morbi Murder Case: મોરબીના રફાળીયા રોડ પર આવેલી આદ્યાશક્તિ પેપરમીલ નામના કારખાનામાં મધ્યરાત્રીએ એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક દંપતી વચ્ચે છેલ્લા બે દિવસથી કોઈ બાબતે અણ બનાવ ચાલી રહ્યો હતો. રાત્રિના સમયે કામ પતાવીને 45 વર્ષીય પ્રૌઢા શાંતાબેન ભુરાભાઇ કટારા પોતાની પુત્રી સાથે સુઈ રહ્યા હતા. તે દરમિયાન દારૂના નશામાં ધૂત પતિ ભુરા કટારાએ અદાવત રાખી નિદ્રાધીન પત્નીના માથાના ભાગે ઘણનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો.

સારવાર દરમિયાન પ્રૌઢાએ તોડ્યો દમ

ઘણનો ઘા વાગતા જ શાંતાબેન રક્તરંજીત હાલતમાં ઢળી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં તેમને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ નાજુક જણાતા વહેલી સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટનાથી શ્રમિક પરિવારમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે.

પુત્રએ ચલાવ્યું જુઠ્ઠાણું, પણ પુત્રીએ ખોલી દીધી પોલ

બનાવની શરૂઆતમાં મૃતકના પુત્રએ પોલીસ ચોપડે એવો દાવો કર્યો હતો કે કોલસાની ચકરડીમાંથી પથ્થર ઉડીને વાગવાથી તેની માતાને ઈજા પહોંચી હતી. પરંતુ તેની સાથે જ કામે ગયેલી પુત્રીએ પોલીસ સમક્ષ પૂછપરછમાં સાચી હકીકત ઉજાગર કરી દીધી હતી. પુત્રીએ જણાવ્યું કે, માતા-પિતા વચ્ચે બે દિવસથી સતત ઝઘડો ચાલતો હતો. રાત્રે માતા અને પોતે સુઈ ગયા બાદ પિતાએ દારૂના નશામાં આવીને માતા પર ઘણ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસે ગુનો નોંધી આરોપી પતિની શોધખોળ શરૂ કરી

રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીની નિર્મમ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી પતિ ભુરા કટારાને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.