હળવદના નવા માલણિયાદમાં પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખી, આખી રાત મૃતદેહ બેસી રહ્યો

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં વરસીભાઈને પત્ની સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર થતાં વરસીભાઈએ પત્નીને છાતીને ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 08 Jul 2026 12:59 PM (IST)Updated: Wed, 08 Jul 2026 12:59 PM (IST)
morbi-news-woman-killed-following-domestic-dispute-in-village-of-halvad

Morbi News: હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને પતિએ પત્નીને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ પતિ આખી રાત પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો. બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લઈને હત્યાના ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી વરસીભાઈ નાયકા તેઓના પત્ની માસુડીબેન તથા દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા. દરમિયાન કોઈ કારણોસર વરસીભાઈને પત્ની સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર થતાં વરસીભાઈએ પત્નીને છાતીને ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો. ગંભીર ઇજાના કારણે પત્ની માસુડીબેન (55)નું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાનો મૃતદેહ પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડું મારીને રાત્રિના સમયે હત્યા કરી નાખી હતી, ત્યારબાદ ત્યાંથી ભાગી જવાના બદલે આખી રાત તે પોતાની પત્નીની લાશ પાસે બેઠા રહ્યા હતા. બીજા દિવસે સવારે વાડીએ અન્ય શ્રમિક આવ્યા ત્યારે મહિલાની હત્યા થઈ હોવાની માહિતી સામે આવી હતી. હાલમાં પોલીસે હત્યાના બનાવ સંદર્ભે મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.