Morbi: મોરબી જિલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે, પરંતુ વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ટંકારા તાલુકાના નેકનામ ગામે 29 લાખ વ્યાજે લીધા જેના બદલે રૂ 2.05 કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ વધુ 50 લાખ પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી અને ચાની હોટેલ ચલાવતા લીંબાભાઈ માંડાભાઈ લામકા (ઉ.વ.46) વાળાએ નેકનામ ગામે રહેતા આરોપીઓ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા અને વિક્રમસિંહ રાજુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, લીંબાભાઈએ તેના દીકરા અને દીકરીના લગ્ન અને મકાનના રિનોવેશન માટે આરોપી રાજેન્દ્રસિંહ પાસેથી રૂ 29.70 લાખની રકમ 20 ટકા વ્યાજે લીધી હતી.
તા. 20-05-21થી આજદિન સુધીમાં ફરિયાદીએ રૂ 2,05,00,000 ચૂકવી દીધા છે. આમ છતાં આરોપીઓ રૂ. 50 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટંકારા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ 384,114 અને મની લેન્ડર્સ એક્ટ 2011 ની કલમ 40,42 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
શેર બજારનું કામ કરતા યુવકનો ઝેરી દવા પી આપઘાત
જામનગર રોડ પર આવેલ સૂર્યકાંત હોટલની પાછળ આવેલ ગુલમહોર વુડ બંગલોમાં રહેતા દિવ્યાંગ પોબારુ (ઉ.વ.31) ગઈકાલે પોતાના ઘરેથી નીકળી સાંજના 6 વાગ્યાની આસપાસ પરાપીપળીયા રેલવે ફાટક પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે સ્થાનિકોને જાણ થતા 108ની ટીમે દિવ્યાંગ પોબરુને તુરંત જ નજીકમાં આવેલ એઇમ્સ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન શેરબજારનું કામ કરતો હોવાનું સામે આવી રહ્યું છે અને પોતે અપરિણીત હતો. તેને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે તપાસ યથાવત રાખી છે.
