Gujarat Monsoon Update: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે ઝાપટા વરસવાની આગાહી કરી છે, ત્યારે આજે રાજ્યના 224 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં 66 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
ગીર ગઢડા, મેઘરજમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ
આજે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં અને અરવલ્લીના મેઘરજમાં 78 મી.મી (3.07 ઈંચ) ખાબક્યો હતો. જેમાં મેઘરજમાં વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં જ ગાજવીજ સાથે 3 ઈંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો.
જ્યારે ગીર ગઢડામાં બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન વરસાદ પડ્યો હતો. એમાં પણ બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન 49 મી.મી (1.9 ઈંચ) જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે ગીરના જંગલમાંથી પસાર થતા વોકળા અને ચેકડેમો છલકાઈ ઉઠ્યા હતા.
ખાસ વાત એ છે કે, ગીર ગઢડા તાલુકામાં સિઝનનો સૌથી ઓછો માત્ર 13 ઈંચ જેટલો જ વરસાદ પડતાં સ્થિતિ ગંભીર બની હતી. કૃષિ પાક નુકસાનીની ભીતિએ ચિંતિત ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે મેઘાએ હેત વરસાવતા ખેડૂતોને હાશકારો થયો છે.
અરવલ્લીની વાત કરીએ તો, સવારે 6 વાગ્યાથી જ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. જેમાં મેઘરજમાં 2 કલાકમાં જ 3 ઈંચ વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.આવી જ રીતે મોડાસામાં પણ સવા 2 ઈંચ કરતાં વધુ વરસાદ પડતા રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ હતી.
પોણા 3 ઈંચ વરસાદમાં અમદાવાદ જળબંબોળ
અમદાવાદની વાત કરીએ તો, સવારે 6 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જો કે 8 વાગ્યાથી વરસાદની તીવ્રતા અચાનક વધી ગઈ હતી. સવારે 5 થી 6 કલાકમાં અમદાવાદમાં 73 મી.મી (2.8 ઈંચ) વરસાદ તૂટી પડતાં શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા થલતેજ, સેટેલાઈટ, જોધપુર, એસજી હાઈવે, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાથી અનેક વાહનો ખોટકાયા હતા. એમાં પણ નોકરિયાતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
66 તાલુકામાં 1 ઈંચથી વધુ, તો 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ
આજે રાજ્યના 66 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠાના તલોદમાં 64 મી.મી (2.5 ઈંચ), નર્મદાના ડેડીયાપાડામાં 61 મી.મી (2.4 ઈંચ), મહીસાગરના કડાણામાં 57 મી.મી (2.2 ઈંચ),સંતરામપુરમાં 55 મી.મી (2.17 ઈંચ), ખાનપુરમાં 53 મી.મી (2 ઈંચ), ગાંધીનગરના માણસામાં 54 મી.મી (2.13 ઈંચ), મહેસાણાના ખેરાલુમાં 51 મી.મી (2 ઈંચ) તેમજ મોરબીના વાંકાનેરમાં 50 મી.મી (1.9 ઈંચ) જેટલો વરસાદ પડ્યો છે.
