Morbi Rain Report: રાજ્યમાં હાલ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ થતાં ખેડૂતો આનંદથી ઝૂમી ઉઠ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના વરસાદી આંકડા પ્રમાણે, તારીખ 17 થી 18 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યાથી 6 વાગ્યા સુધી એમ છેલ્લા 24 કલાકમા મોરબી જિલ્લાના માળિયામાં સૌથી સર્વાધિક વરસાદ નોંધાયો છે.
માળિયા પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ
મોરબી પંથકના માળિયામાં 5.16 ઇંચ વરસાદ નોંધાતા સ્થાનિક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. મોરબી જિલ્લાના માળિયા ઉપરાંત વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકા પંથકમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે. આથી લોકો આંશિક ગરમીથી રાહત મેળવી છે. આ વરસાદથી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મોરબીના ચાર તાલુકામાં નોંધાયો વરસાદ
મોરબી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેને પગલે મોરબીના ચાર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ જામેલા વરસાદી માહોલને પગલે રાહદારીઓ અને લોકોને નોકરી ધંધે જવામાં થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ મોરબીમાં જામેલી મેઘમહેરના લીધે ખેડૂતો અને શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે.
- માળિયા: (5.16 ઇંચ) સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ માળિયા તાલુકામાં ખાબક્યો છે.
- વાંકાનેર:(1.46 ઇંચ) વાંકાનેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
- મોરબી: (0.28 ઇંચ) મોરબી તાલુકામાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે.
- ટંકારા:(0.12 ઇંચ) ટંકારા તાલુકામાં સામાન્ય વરસાદી છાંટા નોંધાયા છે.
