Morbi News: મોરબી જિલ્લાના હળવદમાં નવી બાંધકામ સાઈટ ઉપર સીડી ઉપરનો ભીંડો મારેલ હોય જે કાઢી નાખવા બાબતે સેન્ટરીંગ કામ કરતા યુવાન સાથે ડખ્ખો થતાં પિતા-પુત્ર સહિતના શખ્સોએ છરી, ધોકા, પાઈપ વડે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલ યુવાને રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યાના ગુનામાં પલટાયો છે. જ્યારે મોટાભાઈને છોડાવવા વચ્ચે પડેલા નાના બે ભાઈઓને પણ હુમલામાં ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, હળવદના નવા ઈશાનપુર ગામે રહેતા રવિભાઈ ખોડાભાઈ સોનાગરા (ઉ.28) નામના સતવારા યુવાન ગઈકાલે પોતાના બે નાના ભાઈ હિરેન ખોડાભાઈ સોનાગરા (ઉ.23) અને જયદીપ ખોડાભાઈ સોનાગરા (ઉ.24) સાથે હળવદમાં નવી બાંધકામ સાઈટ ઉપર સેન્ટીંગનું કામ કરવા માટે ગયા હતા.
હળવદની બાંધકામની સાઈટ ઉપર આરોપી નટુભાઈ ઉર્ફે ડાઢી અને તેના પુત્ર સહિતના શખ્સો પણ કામે આવેલા હોય બાંધકામ સાઈટ ઉપર સીડીમાં મારેલ ભીંડો કાઢી નાખવાનું કહેતા ઝઘડો થયો હતો.જેનો ખાર રાખીને પિતા-પુત્ર સહિતના શખ્સોએ ત્રણેય ભાઈઓ પર છરી, ધોકા, પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં રવિભાઈ ખોડાભાઈ સોનાગરાને ગંભીર ઈજા સાથે સૌ પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાત્રિના તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ ખુનના ગુનામાં પલટાયો છે.
જ્યારે હિરેન ખોડાભાઈ સોનાગરા અને જયદીપ ખોડાભાઈ સોનાગરાને ગંભીર ઈજા સાથે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા હળવદનો પોલીસ સ્ટાફ રાજકોટ દોડી આવી ઘવાયેલ નાના ભાઈની ફરિયાદ પરથી હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઈમાં સૌથી મોટો હતો અને ત્રણેય ભાઈઓ સેન્ટીંગ કામ કરતા હોવાનું જ્યારે તેના પિતા ગામમાં કરીયાણાની દુકાન અને ખેતી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ ભાઈમાં સૌથી મોટા રવિ સોનાગરાને સંતાનમાં ત્રણ દીકરી હોવાનું જાણવા મળ્યું છે. યુવાનની હત્યા થતાં ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
