Morbi News: ગત ઓક્ટોબર મહિનામાં મોરબી જિલ્લાના ટંકારામાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું હતું. આ જુગારધામ પ્રકારણમાં ટંકારા પીઆઇ વાય.કે. ગોહિલ અને તેમની ટીમ દ્વારા 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 12 લાખની રોકડ તથા બે ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં આરોપીઓના નામ ખોટા દર્શાવવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. એસએમસીની તપાસ બાદ ટંકારાના પીઆઇ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ બન્ને વિરુદ્ધ 51 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, 26 ઓક્ટોબરના રોજ ટંકારાના પીઆઇ અને તેમની ટીમ દ્વારા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. જોકે મોટા માથાની સંડોવતા આ જુગારધામ દરોડા પ્રકરણમાં આરોપીઓના ખોટા નામ દર્શાવવામાં આવ્યા હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા.
પ્રકાશિત થયેલા અહેવાલોને જેને લઇને ઉચ્ચ અધિકારીઓ ચોંક્યા હતા. રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆત રાજ્યના પોલીસ વડા સુધી પહોંચતા તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી. એસએમસીની તપાસ બાદ ગત રાત્રે ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ 51 લાખ જેવી માતબર રકમની લાંચની માંગણી કરી-સ્વીકારવા મામલે અલગ-અલગ કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.
મોરબીમાં પીઆઇ અને કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપું છું. સરકારનું વલણ કડક છે. પ્રજા સુખી તો થાય કે સરકાર કડક હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ કડક હોય. કોઇપણ માણસને રાજકીય હોય કે અધિકારી હોય ખોટું કરવાનો કોઇને ટેકો આપ્યો નથી અને ટેકો હોય તો ચાલે પણ નહીં. અત્યારે અમારા મોરબી જિલ્લામાં મને કહેતા આનંદ થાય છે. ખૂબજ કડક હાથે કામ કરીએ છીએ અને કરવાના છીએ. મોરબીમાં ખોટું કરે તો તેને ભોગવવું જ પડે. ખોટી રીતે કંઇ ચાલે નહીં અને ચલાવવું પણ નથી.