Morbi: માતાજીના માંડવામાં ધૂણતા-ધૂણતા હાર્ટ એટેકથી પ્રૌઢનું મોત, લોકો સમજ્યા ભૂવા ધ્યાનમાં બેઠા છે, જુઓ VIDEO

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 17 Nov 2023 11:15 PM (IST)Updated: Fri, 17 Nov 2023 11:15 PM (IST)
morbi-news-bhuva-died-due-to-heart-attack-in-tankara

Morbi: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાના બાળકથી માંડીને યુવાનો અને વૃદ્ધોનું અચાનક હ્રદય બંધ પડી જતાં તેઓ ઢળી પડે છે અને પછી મોતને ભેટી રહ્યાં છ, જે ગંભીર વિષય છે. આવો જ એક કિસ્સો મોરબી જિલ્લાના ટંકારામાંથી સામે આવ્યો છે. જેમાં અહીંના રામપર ગામમાં ધૂણતા-ધૂણતા ભૂવાજીને હાર્ટ એટેક આવતા તેઓનું મોત થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે રાતે ટંકારા તાલુકાના રામપર ગામના રામનગરમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગામમાં જ રહેતા મોહનભાઈ બોસીયા (55) પણ આવ્યા હતા. મોહનભાઈ માંડવામાં ધૂણતા હતા ત્યારે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા.

મોહનભાઈ બેભાન હાલતમાં ઢળી પડ્યા હોવા છતાં આસપાસના લોકોને કોઈ ખ્યાલ જ નહતો આવ્યો. લોકોને એમ હતું કે, ભૂવા ધ્યાનમાં બેઠા છે. જો કે થોડીવાર પછી એક વ્યક્તિ પાણી પીવડાવવા ગયો, ત્યારે ખ્યાલ આવ્યો કે મોહનભાઈનું મોત નીપજ્યું છે. હાલ તો ટંકારા પોલીસે આ સમગ્ર બનાવની નોંધ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.