Morbi: સૌરાષ્ટ્રની શાન સમાન કાઠિયાવાડી અને મારવાડી અશ્વોના જતન અને સંવર્ધન માટે વાંકાનેર ખાતે આગામી 26 થી 28 ડિસેમ્બર દરમિયાન ભવ્ય અશ્વ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વાંકાનેરના પૂર્વ રાજવી સ્વ. ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં યોજાઈ રહ્યો છે.
350થી વધુ અશ્વોની જમાવટ
આ પ્રદર્શનમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે 350 જેટલા ઉત્કૃષ્ટ અશ્વો ભાગ લેશે. રાજકોટ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે, દરરોજ 20,000થી વધુ લોકો આ અશ્વ શોની મુલાકાત લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 15 એકરના વિશાળ મેદાનમાં યોજાનારા આ મહોત્સવમાં કાઠિયાવાડી, મારવાડી અને સિંધી ઓલાદના અશ્વો આકર્ષણનું કેન્દ્ર બનશે.
આગામી 26 થી 28 ડિસેમ્બર સુધી વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ અશ્વ શૉ અને રમતોત્સવનો મુખ્ય હેતુ કાઠિયાવાડી અશ્વ પ્રજાતિઓને પ્રોત્સાહન આપવાનો છે. જેના માટે મેદાન પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
