Morbi Jetpar Farmers Protest: મોરબી જિલ્લાના વાંકાનેર પંથકના જેતપર ગામે ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળા દહન કરવાના મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે 21 લોકો અને આયોજકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
વીજ લાઈનના વળતરને લઈને સ્થાનિક ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી ભાજપના ધારાસભ્ય અને મંત્રી કાંતિલાલ અમૃતિયાના વતન એવા જેતપર ગામે વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસના વિરોધ સ્વરૂપે ગામના મુખ્ય ચોક પર એકત્ર થઈને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સરકારના વિરોધમાં નારેબાજી કરવામાં આવી હતી અને લાકડાના ડંડા વડે પૂતળાનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PI દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હતી.
મોરબી તાલુકા પોલીસ દ્વારા ગંભીર આરોપો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદેસર મંડળી બનાવીને ભેગા થવું, તોફાન અને હુલ્લડ કરવું, જાહેર રસ્તા પર અડચણ ઉભી કરવી અને ટ્રાફિક વ્યવહાર અટકાવવો, સરકારી કે જરૂરી સેવાના ટ્રાન્સપોર્ટમાં અવરોધ ઉભો કરવો અને આગ લગાવવી અને જાહેર સુરક્ષા જોખમવી જેવા ગુના સામેલ છે.
આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ દ્વારા કડક રૂખ અપનાવતા ત્રણ મહિલાઓ સહિત 21 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં જાણીતા નાગરિકો, રાજકીય નેતાઓ, આયોજકો તેમજ તપાસ દરમિયાન સંડોવાયેલા અન્ય લોકો છે. આ તમામ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે.
