મોરબીના પીપળીયા હાઈવે પર ભયાનક અકસ્માત! ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, 2 શ્રમિકોનાં મોત અને 6 ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લાના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામ નજીક એક હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 21 Oct 2026 12:22 PM (IST)Updated: Wed, 21 Oct 2026 12:22 PM (IST)
morbi-accident-dumper-hits-car-on-pipaliya-highway-2-workers-killed-6-injured

Morbi Road Accident: મોરબી જિલ્લાના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામ નજીક એક હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રેતી ભરેલા બેકાબૂ ડમ્પરે કારને જોરદાર ટક્કર મારતા 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ ઘાતકી મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

બેકાબૂ ડમ્પરે કારને પાછળથી ફટકારી

પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળીયા હાઈવે પર લુટાવદર નજીક પુરપાટ ઝડપે આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે આગળ જઈ રહેલી કારને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ભયાનક અને પ્રચંડ હતી કે, કાર અને ડમ્પર બંને વાહનોના  ફુરચે ફુરચા ઉડી ગયા હતા. અકસ્માત સર્જાતા જ હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

2ના મોત, 6ની હાલત નાજુક

કારમાં કુલ 8 શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા. ડમ્પરની ટક્કર બાદ શ્રમિકો કારમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 2 શ્રમિકોના મોત થયા જ્યારે 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા તમામ 6 શ્રમિકોની તબિયત વધુ નાજુક જણાતા તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની બચાવ અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.