Prakash Varmora Morbi: સૌરાષ્ટ્રમાં મોરબી બાદ હવે હળવદમાં પણ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. મોરબીમાં જે પ્રકારે કાંતિ અમૃતિયાનો વિરોધ થયો હતો, તે જ રીતે હળવદમાં પણ ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હળવદ શહેરના હરિનગર સોસાયટી વિસ્તારના રહીશોએ હળવદ સરા રોડ પર ચક્કાજામ કરીને પ્રાથમિક સુવિધાઓના અભાવે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રસ્તા વચ્ચે બેસીને માનવ સાંકળ બનાવી હતી.
પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાઓને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હરિનગર સોસાયટીના રહીશોના મતે, છેલ્લા ત્રણ મહિનાથી ગટરનું ઉભરાતું પાણી પીવાના પાણીના ટાંકામાં ભળી રહ્યું છે, જેના કારણે ગંદુ અને જીવજંતુવાળું પાણી આવે છે. આનાથી ધાધર અને ખરજવા જેવા રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે. મહિલાઓએ ખાસ કરીને સ્થાનિક નેતાઓ સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, મત માંગવા આવે ત્યારે એસી ગાડીમાં લઈ જાય છે અને હવે જરૂરિયાત છે ત્યારે કોઈ આવતું પણ નથી.
સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યોમાં દર્શાવ્યા મુજબ, એક 108 એમ્બ્યુલન્સ દર્દી સાથે ત્યાં આવી પહોંચતા, સ્થાનિક લોકોએ માનવતા દાખવી તત્કાળ તેને જવા માટે રસ્તો આપ્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ ગયા બાદ પણ વિરોધ ફરી યથાવત રહ્યો હતો. આટલા મોટા વિરોધ છતાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા ક્યાંય દેખાયા નહીં, જેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે.
આ વિરોધ પ્રદર્શન વિસાવદરવાળી જેવું જ સ્વયંભૂ જનઆંદોલન બની રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે 62 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને આ વખતે પણ 28માંથી 27 બેઠકો પર જીત મળી હોવા છતાં જનતાના પ્રશ્નોનો કોઈ ઉકેલ નથી. સ્થાનિકોએ ચૂંટાયેલા નેતાઓને સવાલ કર્યો છે કે જો તેઓ પોતાના વિસ્તારનું કામ ન કરી શકે તો રાજનેતા કહેવાને લાયક નથી. આ પરિસ્થિતિ લોકશાહીના સરા જાહેર મૃત્યુ સમાન છે, જ્યાં મત આપીને જીતાડેલા લોકો તેમની જ સામે ભીખ માંગી રહ્યા છે કે અમને પાણી અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપો.
