Visnagar: વિસનગરમાં હેમંત ચૌહાણના સૂરે 305 ભજન મંડળીઓની 11 હજારથી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો, બહેનોને CMએ ભોજન અંગે પૂછતાં હાસ્ય ફેલાયું

આ ધાર્મિક કાર્યક્રમમાં વિસનગર શહેર અને તાલુકાની 305 ભજન મંડળીઓની 11 હજારથી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 13 Oct 2025 12:25 PM (IST)Updated: Mon, 13 Oct 2025 12:25 PM (IST)
visnagar-news-over-11000-women-join-bhajan-event-with-hemant-chauhan-cms-food-query-sparks-laughter
HIGHLIGHTS
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજન મંડળીની બહેનોને સંબોધિત કરતી વખતે ભોજન અંગે હળવાશથી પૂછપરછ કરતાં હાસ્યનું મોજું રેલાયું હતું.
  • કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંત ચૌહાણે ભજનની સુરાવલી રજૂ કરી હતી, જેનો આસ્વાદ લેવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Visnagar Latest News: મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેના APMC ગ્રાઉન્ડ પર રવિવારે સાંજે અલખનાં ઓટલા શીર્ષક હેઠળ એક ભવ્ય ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં વિસનગર શહેર અને તાલુકાની 305 ભજન મંડળીઓની 11 હજારથી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.

naidunia_image

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સાંસ્કૃતિક મંત્રી મૂળુભાઇ બેરા સહિત ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો અને પદાધિકારીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ પણ – વિરાસત પણ સૂત્રને સાકાર કરવાનો એક અનોખો પ્રયાસ જોવા મળ્યો હતો.

naidunia_image

CM ભૂપેન્દ્ર પટેલે હળવાશથી ભજન મંડળીને ભોજન અંગે પૂછ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજન મંડળીની બહેનોને સંબોધિત કરતી વખતે ભોજન અંગે હળવાશથી પૂછપરછ કરતાં હાસ્યનું મોજું રેલાયું હતું. મુખ્યમંત્રીએ મજાકમાં કહ્યું કે, ભૂખ્યા પેટે ભજન ન થાય, પણ તમે ભગવાનમાં એટલા તલ્લીન થઈ ગયા કે તમને ખબર જ નથી કે ભૂખ્યા છો. CMના આ વિધાનથી વાતાવરણ હળવું થઈ ગયું હતું.

મોટી સંખ્યામાં લોકો ભજન સંધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંત ચૌહાણે ભજનની સુરાવલી રજૂ કરી હતી, જેનો આસ્વાદ લેવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત દીપ પ્રાગટ્યને બદલે આહુતિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેણે આધ્યાત્મિક માહોલને વધુ દિવ્ય બનાવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા ભજન મંડળીઓને પ્રોત્સાહિત કરવા માટે તમામ ૩૦૫ મંડળીઓને મુખ્યમંત્રી સહિત મંત્રીઓના હસ્તે ભજન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભજન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારી શ્રેષ્ઠ 11 ભજન મંડળીઓને રૂપિયા 21,000નું રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અંતે સમૂહ આરતીનું આયોજન થતાં વિસનગરના આંગણે ધાર્મિક ઊર્જા અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું.