Mehsana: વડનગરમાં પ્રેમલગ્ન કરનાર બહેનનું સગા ભાઈએ કર્યું અપહરણ, રાખડી બાંધવાના બહાને બોલાવી

પોલીસે અપહરણકર્તા સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 29 Aug 2026 07:40 AM (IST)Updated: Sat, 29 Aug 2026 07:40 AM (IST)
mehsana-vadnagar-sister-kidnapped-on-raksha-bandhan-by-brother-over-love-marriage
Vadnagar Sister Kidnapping

Vadnagar Sister Kidnapping: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાથી રક્ષાબંધનના પવિત્ર તહેવારને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર બહેનને રાખડી બાંધવાના બહાને બોલાવીને તેના સગા ભાઈએ જ પૂર્વ આયોજિત ષડયંત્ર રચીને નંબર પ્લેટ વગરની કારમાં બળજબરીપૂર્વક અપહરણ કરી લીધું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ભાઈએ રચ્યો ટ્રેપ

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે 7 મહિના અગાઉ વડનગરના મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી પોતાના પતિ સાથે સાસરીમાં જ રહેતી હતી.

રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જૈનિલ પટેલે તેને મેસેજ મોકલ્યો અને રાખડી બાંધવા માટે વડનગર આવવા જણાવ્યું. ભાઈના મેસેજ પર ભરોસો રાખીને વૈદેહી પતિ સચીનકુમાર અને નાની ભત્રીજી સાથે એક્ટિવા પર સવાર થઈને વડનગર પહોંચી હતી. વડનગરના તોરણીયા વડ નજીક આવેલા બહુચર પેટ્રોલ પંપની બિલકુલ સામે વૈદેહીએ પોતાના ભાઈ જેનિલને અત્યંત સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી.

અચાનક નંબર પ્લેટ વગરની અર્ટિગા આવી

આ ઘટનાક્રમમાં આગળ મોટું કાવતરું છુપાયેલું હતું. રાખડી બાંધ્યા બાદ દંપતી એક્ટિવા લઈને પોતાના ગામ પરત જવા નીકળતું, ત્યારે ભાઈ જેનિલે વધુ થોડીવાર વાતચીત કરવાના બહાને તેઓને સ્થળ પર જ રોકી રાખ્યા હતા. આ દરમિયાન બપોરે આશરે 1:15 વાગ્યાના સુમારે વિસનગર તરફથી નંબર પ્લેટ વગરની એક સફેદ કલરની અર્ટિગા કાર ધસી આવી.

અપહરણકર્તાઓ સાથે જ કારમાં બેઠો ભાઈ

કાર ચાલકે સચીનકુમારના એક્ટિવા પાસે જ અચાનક ગાડી રોકીને જોરથી દરવાજો ખોલતા એક્ટિવા નીચે પટકાઈ ગયું હતું. આ સાથે જ કારમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા અને વૈદેહીને બળજબરીપૂર્વક અર્ટિગા કારમાં બેસાડી દીધી હતી]. આ નાટકીય ઘટના વચ્ચે ભાઈ જેનિલ પણ પોતાનું એક્ટિવા રસ્તા પર જ મૂકીને તે જ અપહરણકર્તાઓની કારમાં સવાર થઈ ગયો અને તમામ આરોપીઓ વિસનગર તરફ પૂરઝડપે નાસી છૂટ્યા હતા.

પતિએ વડનગર પોલીસમાં નોંધાવી ફરિયાદ

આ બનાવ બાદ ગભરાયેલા પતિ સચીનકુમાર ઠાકોરે તાત્કાલિક વડનગર તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પોતાના સાળા જૈનિલ પટેલ અને અન્ય 3 અજાણ્યા અપહરણકર્તાઓ સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પતિએ આક્ષેપ કર્યો છે કે પ્રેમલગ્નની અદાવતમાં સાળા જૈનિલે આ અપહરણના ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો છે.

વડનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. અપહૃત યુવતી વૈદેહીને હેમખેમ મુક્ત કરાવવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.