Valinath Dham Tarabh: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ખાતે 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મહોત્સવનો ચોથો દિવસ છે, ત્યારે ગુજરાતના ખૂણે-ખૂણેથી દરરોજ હજારો ભક્તો અહીં ઉમટી રહ્યાં છે. 7 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દોઢ લાખ રૂદ્રાક્ષથી બનેલું શિવલિંગ અને 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડથી તૈયાર કરવામાં આવેલ ઝુમ્મર સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દોઢ લાખથી વધુ રૂદ્રાક્ષથી બન્યું સૌથી મોટું શિવલિંગ
સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો વાળીનાથ અખાડામાં આવી રહ્યાં છે. વાળીનાથ સંકુલમાં અંદાજે 1.5 લાખથી વધુ રુદ્રક્ષથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ રૂદ્રાક્ષ નેપાળ, હરિદ્વારા અને ઋષિકેશથી લાવવામાં આવ્યા છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાપ્ત થશે, તે બાદ આ રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. આ સાથે જ મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે.
400 કિલોથી વધુ વજન ધરાવતું ઝૂમ્મર બન્યુ આકર્ષણનું કેન્દ્ર
વાળીનાથ ધામને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર પરિસરમાં વિશાળ ઝુમ્મર લગાવાયું છે. 18 ફૂટ લંબાઈ ધરાવતા આ ઝૂમ્મરનું વજન 400 કિલોથી વધુ છે. આ ઝૂમ્મર 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યું છે.
સુરક્ષા તંત્ર સજ્જ
તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ માટે વડાપ્રધાન મોદી સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના હોવાથી સુરક્ષા તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. આ માટે ગાંધીનગર રેન્જ IGની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા અને વિસનગર DySp સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
