US Suresh Patel Murder: મૂળ મહેસાણાના આખજના વતની અને અમેરિકાના ટેનેસીમાં સ્થાયી પાટીદાર વેપારી સુરેશ પટેલની હત્યાના ગુનામાં અમેરિકાની પોલીસને મોટી સફળતા મળી છે, ગત 20 ઓગસ્ટના રોજ દુકાનમાં દીકરીની નજર સામે જ પિતાને ગોળી મારીને હત્યા કરનારા આરોપીને પોલીસે પકડી લીધો છે. સ્થાનિક પોલીસે આરોપીને જમીન પર પછાડીને ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, મહેસાણાના આખજ ગામના વતની અને છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં વસેલા સુરેશ પટેલે ઘટનાના સાત દિવસ અગાઉ જેક્સન શહેરમાં લીકર શોપની શરુઆત કરી હતી, 20 ઓગસ્ટના રોજ ઘટના સમયે રાત્રે દુકાન બંધ કરતી વખતે બુકાનીધારી લૂંટારુ તેમની પાસે ઘસી આવ્યો હતો. સુરેશ પટેલે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર ન કર્યો હોવા છતાં આરોપીએ લૂંટ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેને લીધે દીકરીની નજર સામે પિતાનું કરુણ મોત થયું હતું..
આ પણ વાંચો
પંજાબી વેપારીની હત્યા અંગે ખુલાસો
આરોપીએ સુરેશ પટેલની હત્યા બાદ અન્ય એક પંજાબી યુવકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ટેનેસી પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, શંકાસ્પદ આરોપી સિરિયલ ક્રાઈમ સાથે જોડાયેલ છે. સિટી ઓફ જેક્સન પોલીસ વિભાગ દ્વારા ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે.
પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો
ઘટનાસ્થળ પર લાગેલા સીસીટીવીના આધારે પોલીસે હુમલાખોરને ઓળખી લીધો હતો, 23 ઓગસ્ટના રોજ તે એક કારમાં જતો દેખાતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવાના પ્રયાસમાં આરોપીની કારનો એક્સિડેન્ટ થયો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈને તેની સામે હત્યા અને લૂંટનો ગુનો નોંધીને વધુની તપાસ હાથ ધરી છે.
