Mehsana Spa Raid: અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો છોડો હવે તો મહેસાણા, હિંમતનગર જેવા નાના શહેરોમાં પણ સ્પાની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધા ધમધમી રહ્યા છે, ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આજે મહેસાણામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં મહેસાણાના 4 જાણીતા સ્પા તેમજ એક ગેસ્ટ હાઉસમાં દરોડા પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 2.12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવા સાથે 13 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મસાજના નામે પરપ્રાંતિય અને થાઈલેન્ડની લલનાઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, SMC પોલીસની ટીમને બાતમી મળી હતી કે, મહેસાણા બાયપાસ રોડ પર આવેલા અવધ પ્લાઝા કોમ્પલેક્સના 'ધી લક્ઝરી બ્યૂટી એન્ડ સ્પા'માં ઉત્તર પ્રદેશ અને પંજાબથી યુવતીઓ લાવીને દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે.
આથી પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલ્યા બાદ દરોડો પાડીને સ્પાના સંચાલક અજય પ્રજાપતિની ધરપકડ કરી હતી, જ્યારે તેનો પાર્ટનર યશ રાવલ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ ઉપરથી વાંધાજનક વસ્તુઓ અને રોકડ રકમ સહિત 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જે બાદ ડમી ગ્રાહક મોકલીને પાંચોટ ગામ ક્રોસ રોડ નજીકના આકાર એવન્યુ કોમ્પલેક્સમાં આવેલા 'ગોલ્ડન સ્પા'માં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પશ્ચિમ બંગાળ અને બિહાર ઉપરાંત થાઈલેન્ડની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું ધ્યાને આવતા સ્પાના મેનેજર સુનિલ ઠાકોર અને રોહિત પરમારની અટકાયત કરી હતી. જ્યારે સ્પાનો માલિક પૂનમ ઉર્ફે પવન રાવળને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આવી જ રીતે સમર્થ કોમ્પલેક્સમાં આવેલા ધી 'મુન લાઈટ સ્પા'માં પણ દરોડો પાડીને સંચાલક આકાશ રામાવતને ઝડપી પાડ્યો હતો. તેમજ નગર બાયપાસ નજીક ક્રિષ્ના કોમ્પલેક્સમાં આવેલા 'એપ્પલ વન'માં પણ બોગસ ગ્રાહક મોકલ્યા બાદ છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે સ્થળ ઉપરથી મોબાઈલ, રોકડ રકમ સહિત 13 હજારથી વધુના મુદ્દામાલ સાથે સ્પાના સંચાલક લોકેશ પાટીદારને ઝડપી પાડ્યો હતો.
મધુવન ગેસ્ટ હાઉસમાં બહારથી લલનાઓ બોલાવી શરીર સુખની વ્યવસ્થા કરાતી હતી
આ સાથે જ SMCની ટીમે હોટલ મધુવન સર્કલ પર આવેલ હોટલ મધુવન ગેસ્ટ હાઉસમાં પણ છાપો માર્યો હતો. જ્યાં બહારથી મહિલાઓને બોલાવીને ગ્રાહકોને શરીર સુખ માણવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મધુવન ગેસ્ટ હાઉસમાંથી સુરત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઝારખંડની ત્રણ લલનાઓને મુક્ત કરાવવામાં આવી છે. જ્યારે બે સંચાલકોની અટકાયત કરવામાં આવી છે.
