Shree Hanuman Chalisa Yuva Katha Day 5 in Shankarpura, Mahesana: મહેસાણાના વિજાપુરમાં સાંકાપુરા ખાતે વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીની શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કથાના પાચમા દિવસે હરિપ્રકાશ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી હાજર ભક્તોને હનુમાન ચાલીસા યુવા કથાનું શ્રવણ કરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં હરિપ્રકાશ સ્વામીએ અપીલ કરતા કહ્યું કે, આપણે વ્યસનથી દૂર રહીએ. જેના મા-બાપ મહાન અને ચરિત્રવાન છે તેમના દીકરા મહાન થાય.
આ પણ વાંચો
હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે, જે માએ ભજન કર્યું હોય, જે માએ દાન કર્યું હોય અને જે માનું ચારિત્ર શ્રેષ્ઠ હોય તેને ત્યાં જ સારા દીકરા થાય. બાકી તો સામા થાય અને હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં નાંખી આવે. કારણ કે, સંસ્કાર ના આપ્યા હોય. એટલે માતાઓને વંદન કરીને એક વિનંતી કરવા માગુ છું કે, તમારું જીવન જેટલું શ્રેષ્ઠ હશે એટલા તમારા સંતાનો મહાન બનશે.
હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે, પુરુષો તમે વ્યસનોથી દૂર રહેજો. હું જ્યાં જ્યાં પધરામણીએ જવ ત્યાં બહેનો કહે છે કે, આને વ્યસન છોડાવોને. મારી તો દીકરીઓને વિનંતી છે કે, જે છોકરો માવા ખાતો હોય તેની સાથે સંબંધ જ ના કરવો. તમે આખો પરિવાર છોડીને આવો અને છોકરો માવો ના છોડી શકે. આખા ભારતમાં માવો ખાવાની પ્રજા માત્ર ગુજરાતમાં છે. રોડ બગાડવાનું અને દિવાલો બગાડવાનું કામ કરનારા તમે જ છો. લોકો યુદ્ધમાં લોહીના રંગથી રંગાય તમે તો એમનામ દીવાલો લાલચોળ કરી નાંખો છો.
હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે, હું હમણા ઉજ્જૈન ગયો હતો. ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ત્યારે જતી વખતે રસ્તામાં એક નાનકડા ગલ્લામાં લખ્યું હતું કે, ગુજરાતનો 335નો માવો અહીંયા મળશે. હમણાં હું દુબઈ કથા કરવા ગયો હતોને અહીં આવ્યો તે પહેલાં જ. બધા ટાઈલ્સવાળાને ત્યાં ગયો હતો તો કહેતા હતા કે, સ્વામી આ છોકરાને માવા છોડાવોને અહીં બહુ ખાય છે. મેં કીધું રોજના કેટલાક ખાય તો કે, રોજના 10 ખાસ છે. મેં કીધું આટલા બધા લાવે છે ક્યાંથી તો કહે કે, ત્યાંથી રોજ કન્ટેનર આવે તેમાં મોકલે છે. વ્યવસ્થા તો આપણને જેવી આવડે તેવી કોઈને આવડે નહીં. આપણે વ્યસનથી દૂર રહીએ. જેના મા-બાપ મહાન અને ચરિત્રવાન છે તેમના દીકરા મહાન થાય.
મહત્ત્વનું છે કે, સાંકાપુરા ખાતે 2જી મેથી રાતે 8થી 11 કલાક સુધી હનુમાન ચરિત્ર કથા યોજાઈ રહી છે. જેના આયોજક ધર્મેન્દ્રભાઈ તેમજ તેજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ પરિવાર છે.
