Mehsana News: મહેસાણા શહેરમાં એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. શહેરની મોઢેરા ચોકડી પાસે આવેલા હબ ટાઉન સંકુલમાં એક યુવક ચોથા માળે ચડી જઈને આપઘાત કરવાની કોશિશ કરતાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. યુવકે નીચે ઉતારવા માટે પોલીસ અન ફાયર વિભાગની ટીમો તાત્કાલિક દોડી આવી હતી. મહિલા પોલીસ કર્મચારીએ યુવકને સમજાવી બુઝાવીને નીચે ઉતારતાં બધાએ હાશકારો અનુભવ્યો હતો.
યુવક ચોથા માળે આપઘાત કરવા ચડ્યો
આ પણ વાંચો
મળતી વિગત પ્રમાણે, મહેસાણામાં ગત 27 સપ્ટેમ્બરના રોજ હબ ટાઉન સંકુલના ચોથા માળે એક યુવક આત્મહત્યાના ઈરાદે ચડી ગયો હતો. જે અંગે લોકોએ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. એક 25 વર્ષીય યુવક બિલ્ડીંગના ચોથા માળે ચડી જઈને નીચે કૂદીને આપઘાત કરી લેવાની ધમકી આપી રહ્યો હતો. જેને જોવા માટે નીચે લોકોનું ટોળું વળ્યું હતું.
મહિલા કોન્સ્ટેબલે યુવકને સમજાવ્યો
યુવકને નીચે ઉતારવા માટે પોલીસે પોતાની કામગીરી શરુ કરી હતી. ઘણી સમજાવટ છતાં યુવક નીચે્ ઉતરવા માટે તૈયાર નહોતો. આથી પોલીસ ટીમના મહિલા કોન્સ્ટેબલ રિંકુબેને ધીરજતાથી યુવકને સમજાવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, 25 વર્ષીય યુવકનું નામ જીગર ઠાકોર અને મૂળ મોડાસાનો વતની છે. આ સુધીમાં યુવકના માતા-પિતા પણ આવી ગયા હતા. પોલીસની સાથે સાથે ફાયર વિભાગની ટીમ પણ આવી પહોચી હતી.
માનસિક તણાવમાં હોવાનું સામે આવ્યું
ફાયર અને પોલીસ વિભાગની સતત 1 કલાક સુધી ચાલેલી જહેમતમાં સહીસલામત યુવકને નીચે ઉતારી લેવાયો હતો. ત્યારબાદ યુવકને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જઈને માતાપિતાની હાજરીમાં કાઉન્સેલિંગ કરાયું હતું. પીઆઈ. ગઢવીના જણાવ્યા પ્રમાણે, યુવક માનસિક તણાવમાં હતો. કોઈ અંગત કારણોસર તે પગલું ભરવા જઈ રહ્યો હતો. પરંતુ તેની સાથે સતત વાતચીત કરીને તેને હેમખેમ બચાવી લેવાયો હતો.
