Mehsana Rain Update: ઉત્તર ગુજરાતમાં ચોમાસાની જામતી રમઝટ વચ્ચે વરસાદી આંકડા સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2.82 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ઉપરવાસમાં પાણીની આવક થતાં પ્રદેશની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 51.14 ટકા જેટલો ભરાઈ ગયો છે.
મહેસાણા અને ઉત્તર ગુજરાતની સ્થિતિ
છેલ્લા 24 કલાતક દરમિયાન ઉત્તર ગુજરાતના 29 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના પાલનરપુરમાં 2 ઈંચ અને ડીસા પંથકમાં 2 ઈચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, મહેસાણાના વિસનગરમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા શહેરમાં 5 મીમી, વીજાપુરમાં 3 મીમી અને વડનગરમાં 2 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ અને વરસાદ
ગત વર્ષની સરખામણીએ આ સમયગાળામાં 59.1 ટકા વરસાદ નોંધાયો હતો. જેની સામે આ સીઝનમાં અત્યાર સુધીમાં 61.92 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટીની વાત કરીએ તો, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં 1,736 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમની જળસપાટી 51.14 ટકાએ પહોંચી છે. સતત વરસાદી માહોલને લીધે મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલુ ઘટી ગયું છે. 30.5 c આસપાસ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આશંકા છે. 20 ઓગસ્ટ સુધીા વરસાદી માહોલ યથાવત્ત રહેશે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
