Mehsana: દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના અલગ-અલગ શહેરોમાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં મહેસાણા જિલ્લાના ખેરાલુંમાં પણ બેસતા વર્ષના દિવસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વેગનઆર કારે ટક્કર મારતા બાઈક પર જતાં બે યુવકો ફૂટબૉલ માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા, જે પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડનગર શહેરના અમરથોળ દરવાજા પાસે રહેતો સાહિલજી ઠાકોર નવું વર્ષ હોવાથી તેના મામાના દીકરા કિરણ અને સુમિત સાથે ખેરાલુ નજીક આવેલા શેભર ગોગા મહારાજના દર્શન કરવા નીકળ્યો હતો.
જ્યાં ગોગ મહારાજના દર્શન કરીને ત્રણેય મિત્રો એક જ બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમનું બાઈક કોદરામથી ચાણસોલ રોડ પરથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે પુરપાટ વેગનઆર ગાડીના ચાલકે તેમના બાઈકને ઠોકરે ચડાવ્યું. જેના પગલે બાઈક પર સવાર ત્રણેય યુવકો ઉછળીને નીચે પટકાયા હતા.
આ અકસ્માતમાં બાદ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. જેમણે 108ની મદદથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ગંભીર ઈજાઓ થવાથી સુમિતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે કિરણ અને સાહીલને ફ્રેક્ચર સહીત નાની-મોટી ઈજા થઈ હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
આ મામલે ઈજાગ્રસ્ત સાહિલની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે અકસ્માત સર્જનાર વેગનઆર ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
