Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગઈકાલે રાતના સમયે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં માંતેલા સાંઢની માફક ધસી આવતી ઈકો કારે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ઠોકરે ચડાવતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિજાપુરમાં આવેલા જૈન દેરાસર નજીક રહેતો દિપક વાઘેલા ગઈકાલે રાતના સમયે જમ્યા બાદ ઘરેથી વૉકિંગ કરવા નીકળ્યો હતો. દિપક ગોવિંદપુરા ચોકડીથી આનંદપુરા ચોકડી તરફ પગપાળા જઈ રહ્યો હતો.
આ દરમિયાન દિપક રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે ફુલ સ્પીડમાં આવતી ઈકો કારના ચાલકે તેને ઠોકરે ચડાવ્યો હતો. કારની ઠોકરથી યુવક ફૂટબૉલની માફક હવામાં 15 થી 20 ફૂટ ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.
આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને યુવકને મૃત જાહેર કર્યો હતો.
આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી. હાલ તો વિજાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
