Mehsana: કડીમાં પિતાની નજર સામે જ પુત્રએ દમ તોડ્યો, પિતાએ ટ્રક રિવર્સ લેતા પાછળ સાઈડ બતાવતો પુત્ર કચડાઈ ગયો

પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા, ત્યારે પુત્ર સાઈડ બતાવતો હતો. આ સમયે એક સાઈડમાં રહેલ લોખંડનું સ્ટેન્ડ હટાવવા પુત્ર ગયો, ત્યારે પિતાનું ધ્યાનના રહેતા પુત્ર ચગદાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Dec 2025 08:36 PM (IST)Updated: Wed, 24 Dec 2025 08:36 PM (IST)
mehsana-news-son-killed-front-of-father-eye-due-to-truck-hits
HIGHLIGHTS
  • બાડમેરના દેવારામ 19 વર્ષીય પુત્ર સાથે કડી સ્થિત કંપનીમાં માલ ઉતારવા આવ્યા હતા

Mehsana: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ બેદરકારીપૂર્વક ટ્રક રિવર્સમાં લેતા પાછળ રહેલો તેમનો 19 વર્ષનો પુત્ર કચડાઈ જતાં ઘટના સ્થળે જ મોતને ભેટ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લા વતની દેવારામ ચૌધરી ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દેવારામનો 19 વર્ષીય પુત્ર મુકનારામ પણ પિતાની મદદ માટે તેમની સાથે જ રહેતો હતો.

ગઈકાલે 23 ડિસેમ્બરના રોજ દેવારામ પોતાના પુત્ર સાથે જેસલમેરથી ટ્રકમાં માલ ભરીને કડી સ્થિત ગ્રીનફિલ્ડ ડેરીવેટિવ્ઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ઉતારવા માટે આવ્યા હતા.

કંપનીમાં ટ્રકમાંથી અનલૉડિંગ ચાલી રહ્યું હતુ, ત્યારે દેવારામ ટ્રકને રિવર્સ લઈ રહ્યા હતા. આ સમયે તેમનો પુત્ર મુકનારામ પાછળ ઉભો રહીને ટ્રકને સાઈડ બતાવી રહ્યો હતો. આ દરમિયાન ટ્રકની પાછળ લોખંડનું સ્ટેન્ડ પડ્યું હોવાથી મુકનારામ તેને ખસેડવા ગયો હતો. આ સમયે દેવારામનું ધ્યાન ના રહેતા તેઓ ટ્રકને રિવર્સ લેતા રહ્યા હતા. જેના કારણે મુકનારામ કચડાઈ ગયો હતો.

પુત્રની બૂમાબૂમ સાંભળીને દેવારામ તરત જ બ્રેક મારીને નીચે ઉતરી ગયા હતા. જેમણે પાછળ જઈને જોયું તો પુત્ર લોહીના ખાબોચિયામાં તરફડિયા મારી રહ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મુકનારામનું મોત નીપજ્યું હતુ.