Mehsana News: પશુ આહારમાં ભેળસેળ થતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ત્વરિત તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. અલદેસણ અને લીંચ નજીક આવેલા 5 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરાતા શંકાસ્પદ ખોળનો જથ્થો મળી આવ્યો છે. ખોળના સેમ્પલ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કડીમાં ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. આ સભામાં પશુ આહાર(ખોળ)માં કરવામાં આવતી ભેળસેળનો મુદ્દો ઉછળ્યો હતો. સ્થાનિકો અને એસોસિએશન દ્વારા કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કડીની NCDXના ગોડાઉનોમાંથી ભેળસેળયુક્ત ખોળ વેચાઇ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. જેની કૃષિમંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા.
કૃષિમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા બાદ મામલતદાર ટીમ, મહેસાણા પશુપાલન વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કડી તાલુકાના અલદેસણ નજીક આવેલા 4 ગોડાઉન તથા મહેસાણાના લીંચ પાસે આવેલા એક ગોડાઉન સહિત કુલ 5 ગોડાઉનમાં મોડી રાત્રે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાથ ધરાયેલી સઘન તપાસમાં મોટી માત્રામાં શંકાસ્પદ ખોળની બોરીઓો જથ્થો મળી આવ્યો હતો. દરોડામાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જથ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ખોળના નમૂના ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
સમગ્ર મામલે પશુપાલન અધિકારી દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, મોડી રાત્રે ત્રણ ટીમોએ તપાસ હાથ ધરી હતી અને ગોડાઉનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને ચકાસણી અર્થે લેબ મોકલવામાં આવ્યા છે. જેનું પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ ગોડાઉનને સીલ કે જથ્થો જપ્ત કરવામાં આવ્યો નથી. ગોડાઉનમાં રાત્રે કેટલો જથ્થો હતો તેની ગણતરી કરાઇ છે.
