સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે AAP નેતા ભીંસમાં, મહેસાણાની કોર્ટે ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ બિનજામીન પાત્ર વૉરન્ટ જારી કર્યું

વોરન્ટ બજવણીના ભાગરૂપે હેડ કોન્સ્ટેબલ ગોપાલ ઈટાલિયાના સરનામે રૂબરું પહોંચ્યા. વોરંટની બજવણી માટે પોલીસે 'ઇ-સમન્સ એપ્લિકેશન' નો ઉપયોગ કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Apr 2026 11:15 PM (IST)Updated: Tue, 07 Apr 2026 11:15 PM (IST)
mehsana-news-non-bailable-warrant-against-aap-leader-gopal-italia-before-gujarat-local-body-polls-2026
HIGHLIGHTS
  • ગોપાલ ઈટાલિયા કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટનો કડક આદેશ

Mehsana: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. હકીકતમાં મહેસાણાની કોર્ટે 2020માં નોંધાયેલા એક ગુનાના મામલે ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ બિનજામીન પાત્ર વૉરન્ટ ઈશ્યું કર્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વર્ષ 2020માં મહેસાણા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

આ કેસની સુનાવણી મહેસાણાની થર્ડ એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટમાં ચાલી રહી છે. જો કે કોર્ટમાં સુનાવણી દરમિયાન ગોપાલ ઈટાલિયા હાજર ના રહેતા કાર્યવાહીના ભાગરૂપે કોર્ટ દ્વારા બિનજામીન પાત્ર વોરન્ટ કાઢવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના આદેશના પગલે હરકતમાં આવેલી પોલીસે વોરન્ટની બજવણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ગોપાલ ઈટાલિયાના સુરત સ્થિત નિવાસ સ્થાને પહોંચીને વોરન્ટ બજવણીની કામગીરી કરી હતી. જો કોઈ કારણોસર આરોપી પોતાના સરનામે હાજર ના મળે, તો ચાર્જશીટમાં લાગતા-વળગતા પોલીસ સ્ટેશનથી ઈ સમન્સ મોકલવામાં આવે છે.

ગોપાલ ઈટાલિયાની માતા સાથે ગેરવર્તણૂંક કરાઈ હોવાના આક્ષેપ

પોતાના પર થઈ રહેલી કાનૂની કાર્યવાહીને લઈને ગોપાલ ઈટાલિયાએ ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, હું હાલ વિસાવદર બેઠો છું, તે આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર પણ IB પાસે છે. મારી તમામ વિગતો પોલીસ ટ્રેસ કરતી હોવાથી તેમને ખબર જ છે કે હું ક્યાં છું. આમ છતાં સુરત સ્થિત મારા ઘરે પોલીસ મોકલી, જ્યાં મારા માતા એકલા છે. એમની સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક કરવામાં આવી છે.