Mehsana: મહેસાણા જિલ્લાના કડીમાં સિંધી સમાજ દ્વારા ગઈકાલે શનિવારના રોજ ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઔરંગઝેબ અને મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું છે.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન પટેલે જણાવ્યું કે, સિંધી કોઈ ધર્મ નથી, પરંતુ દેશના હિન્દુનો ઝૂલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. અખંડ ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા. હું જે મહોલ્લામાં રહેતો હતો, ત્યાં પણ પાકિસ્તાનથી આવેલા 25થી વધુ પરિવારો રહેતા હતા. પહેલાના વડીલો સિંધીઓને નિરાશ્રિત જ કહેતા હતા. તમારે પાકિસ્તાનમાં મુસલમાનોએ તમારા પર કરેલા અત્યાચાર ભૂલવાના નથી. તેમનું ભૂત ગમે ત્યારે ધૂણે છે. અત્યારે મહારાષ્ટ્રમાં પણ ઔરંગઝેબનું ભૂત ધૂણી રહ્યું છે.
ઔરંગઝેબે આપણી બહેન-દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતરણ કરી લગ્ન કર્યાં હતા. તેણે આપણા અનેક મંદિરો ધ્વસ્ત કરીને મસ્જિદો બનાવી છે. ઉત્તર પ્રદેશ હોય કે બીજા રાજ્યોમાં મુસ્લિમોએ આપણા અનેક મંદિરો પર કબજો જમાવીને ત્યાં મસ્જિદો બનાવી દીધી છે. અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથીની સ્ટાઈલમાં કામ કરી રહ્યા છે, તમે જુઓ બધુ પાછું આવશે. આપણે બસ સહકાર આપવાનો છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આનો કંઈક ઉપાય કરશે. સિંધી સમાજે 1947માં ખૂબ જ તકલીફ સહન કરી, પરંતુ હવે બધું જ સારું છે.
