Mehsana News: મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ઓછો નોંધાતાં ખેડૂતોને પાકની સિંચાઈ કેવી રીતે થશે તેની ચિંતા સતાવતી હતી. જોકે, ખેતી અને ખેડૂતોની આ સમસ્યાનો ત્વરિત નિકાલ કરવા માટે રાજ્ય સરકારના નર્મદા જળસંચય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં 100 તળાવોને કરણનગર-ધાંધુસણ પાઇપલાઈન દ્વારા નર્મદાના પાણીથી ભરવાની કામગીરી પૂર્ણ ઝડપથી શરુ કરી દેવામાં આવી છે.
કાળી ચૌદશથી 23 તળાવમાં નર્મદાનું પાણી છોડાયું
આ પણ વાંચો
આ યોજના અંતર્ગત કાળી ચૌદશના શુભ દિવસથી જ પાણી છોડવાની શરૂઆત કરી દેવાઈ છે. પ્રથમ તબક્કામાં કડી, વિજાપુર અને વિસનગર તાલુકાના 20 જેટલાં ગામોના 23 તળાવમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. તંત્રના આયોજન મુજબ, આગામી એક અઠવાડિયાની અંદર જ તમામ 100 તળાવોને પાઇપલાઇન મારફતે સંપૂર્ણ રીતે ભરી દેવામાં આવશે.
ખેડૂતો, પશુપાલકોને મળશે મોટો લાભ
તળાવો ભરાવાના કારણે મહેસાણા જિલ્લાના આસપાસના ખેતરો ધરાવતા 5,000 થી વધુ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. આ નિર્ણયથી માત્ર ખેતીને જ નહીં પણ અન્ય અનેક ફાયદાઓ પણ થશે જેમાં મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પશુઓ માટે પીવાના પાણીની ઉત્તમ સુવિધા ઊભી થશે, તળાવો પાણીથી સમૃદ્ધ થવાથી આસપાસના સીમ વિસ્તારોના કૂવાઓ અને બોરવેલમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે.
નવી પાઇપલાઇન અને નેટવર્કનું નિર્માણ
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જિલ્લાના 100 તળાવોને ‘કરણનગર-ધાંધુસણ પાઇપલાઇન’ નેટવર્ક સાથે સાંકળી લેવામાં આવ્યા છે. આ સિસ્ટમ વધુ મજબૂત કરવા માટે વિજાપુર તાલુકાના સયાજીનગર અને વડાસણ ગામમાં ખાસ નવી પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. સરકારના આ સમયસરના પગલાથી મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને જળસંચય ક્ષેત્રે મોટી રાહત અનુભવાઈ રહી છે.
