Mehsana News: મહેસાણા શહેરના રોહિતનગર ટેકરા વિસ્તારમાં તિજોરીનું લોક રિપેર કરવાના બહાને ઘરમાં ઘૂસી જઈને 1.62 લાખથી વધુની કિંમતના સોની અને ચાંદીના દાગીનાની ચોરી કરનારા શાતિર ચોરને સાસુ-વહુએ હિંમત અને સૂઝબૂઝથી ઝડપી પાડ્યો છે. ચોરી થયાની જાણ થતાં જ મહિલાઓએ રિક્ષામાં નીકળીને આરોપીઓને શોધી કાઢ્યો હતો અને સ્થાનિકોની મદદથી તેને પોલીસ હવાલે કર્યો હતો. આ અંગે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તિજોરી રિપેર કરવાના નામે ચોરી
પ્રાપ્ત માહિતી મુજબ, રોહિતનગર ટેકરા ખાતે રહેતી એક મહિલાના ઘર પર ચાવી બનાવનારો એક શખ્સ આવ્યો હતો. ઘરની તિજોરીનું લોક ખરાબ થઈ ગયું હોવાથી મહિલાએ તેને રિપેરિંગ કામ માટે આપ્યું હતું. તિજોરીનું લોક સરખું કરવાના બહાને આરોપી ઘરમાં આશરે 1 કલાકથી વધુ સમય રોકાયો હતો. તેણે સામાન લેવા જવાનું કહીને બહાર આંટો મારવા ગયો હતો. ત્યારબાદ લોક સરખુ ન થતાં તે મજૂરીના પૈસા લીધા વિના જ ઉતાવળે ચાલ્યો ગયો હતો.
મહિલાને શંકા જતાં તિજોરી તપાસી
શખ્સને ઉતાવળે ચાલ્યો જતાં જોઈને મહિલાને એકાએક શંકા ઉપજી હતી. તેણે તિજોરીની અંદર તપાસ કરી તો તેના હોશ ઉડી ગયા. અંદર રાખેલી સોનાની બુટ્ટી અને ચાંદીની પાયલ મળીને કુલ 1,62 લાખના દાગીના ગાયબ હતા. દાગીના ચોરાયાની જાણ થતાં જ મહિલા અને તેની પુત્રવધુએ સહેજે પણ હિંમત હાર્યા વિના તરત જ આરોપીની શોધખોળ શરુ કરી હતી.
રસ્તા પરથી આરોપીને ઝડપી લીધો
મહિલા અને તેની પુત્રવધુ બંને રસ્તાઓ પર આરોપીની શોધખોળ કરી રહ્યા હતા. ત્યાંરે એક શંકાસ્પદ શખ્સ નજરે પડ્યો હતો. બંને મહિલાઓએ બૂમાબૂમ કરીને સ્થાનિકોની મદદ લઈને સ્થળ પર ઝડપી લીધો હતો. મહિલાઓએ પોતાની સૂઝબૂઝથી આરોપી પાસેથી દાગીના પાછા મેળવ્યા હતા. સાસુ અને વહુએ આરોપીને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે સોંપી દીધો હતો. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, તેનું નામ બલ્લુસિંગ શેરસિંગ સિકલીગર રહે બનાસકાંઠા હોવાનું સામે આવ્યું છે.
