Mehsana News: મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા એક જ પરિવારના 3 લોકો વિદેશની ધરતી પર ગંભીર મુશ્કેલીમાં મૂકાયા છે. ઈથોપિયામાં આ ત્રણેય લોકોનું અપહરણ કરી લેવાયું છે અને સ્થાનિક અપહરણકર્તાઓ ત્રણેયના પરિવારજનો પાસેથી રુ.1 કરોડની ખંડણીની પણ માંગણી કરી છે. આ ઘટનાને લીધે પરિવારજનોએ મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. તેમજ સરકાર પાસે પોતાના બાળકોને સહીસલામત પાછા લાવવા ગુહાર લગાવી છે.
એજન્ટે ટુકડે ટુકડે 70 લાખ મેળવ્યા
મળતી માહિતી મુજબ, મહેસાણાના વડસ્મા ગામનો ઋત્વિક જનસારી, ગાંધીનગરની યુવતી મયુરી, ગોઝારિયા ગામની યુવતી મમતા ચાવડા તેઓ કૌટુંબિક સગા થાય છે. તેઓ ત્રણેય કડી તાલુકાના ડાંગરવા ગામના સ્થાનિક એજન્ટ અલ્પેશ પંચાલ મારફતે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. સ્થાનિક એજન્ટે મુખ્ય એજન્ટના ભરોસે ત્રણેયને જયપુરથી અબુધાબી અને ત્યાંથી ઇથોપિયાની રાજધાની એડીસ અબાબા મોકલ્યા હતા. ત્યાં તેઓ સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ પર આવેલા જીએસએફ કેમ્પમાં રોકાયા હતા.
અપહરણકારોએ 1 કરોડ માંગ્યા
19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધીના ઈ-વિઝા મેળવી લીધા હતા. આ દરમિયાન એજન્ટે પરિવારજનો પાસેથી કેનેડા પહોંચી ગયા છે તેમ જણાવીને ટુકડે ટુકડે 70 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ તેઓ કેનેડાથી અમેરિકા જવા નીકળ્યા હોવાનું કહીને અચાનક પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો. ત્રણેક દિવસ પહેલા ખાન નામના અજાણ્યા શખ્સે પરિવારજનોને ફોન કરીને ત્રણેય લોકોને મુક્ત કરાવવા માટે 1 કરોડની માગણી કરી હતી.
સરકાર અમારા બાળકોને છોડાવે
અમેરિકા જવા નીકળેલા ત્રણેય લોકોને છોડાવવા માટે પરિવાર સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે. મમતાના પિતા કિરીટભાઈ અને ઋત્વિકના પિતા અત્યંત ભાવુક બનીને જણાવ્યું કે, અમે એજન્ટને ઓનલાઈન સ્કેનરથી 70 લાખ મોકલી આપ્યા છે. હવે અમારી પાસે વધારે પૈસા આપવાની ક્ષમતા નથી. સરકાર અને ગૃહ વિભાગ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને અમારા બાળકોને સહીસલામત પાછા લાવે. હાલ લાંઘણજ પોલીસે પરિવારની અરજીને આધારે તપાસ શરુ કરી છે.
