Mehsana: ગત સોમવારે બપોરના સમયે ખેરવા ગામમાં બાઈક પર આવેલા બે ઈસમો દ્વારા વેપારીને લૂંટી લેવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ફરિયાદી વેપારીએ જાતે જ લૂંટનું તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેપારીની આંખમાં મરચું નાંખીને હાથમાંથી દાગીના અને રોકડ ભરેલી બેગ લૂંટી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેરવાની ઓઝોન સોસાયટીમાં રહેતા રમેશભાઈ પટેલ નામના વેપારી સોનાના દાગીના અને દોઢ લાખની રકમ લઈને જઈ રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે ઈસમોએ તેમની આંખમાં મરચું નાંખીને હાથમાં છરી મારી દીધી હતી. જે બાદ તેમની પાસે રહેલ દાગીના અને રોકડની બેગની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
વેપારી જાતે જ આંખમાં મરચું નાંખીને થેલાનો પટ્ટો કાપતા CCTVમાં કેદ થયા
આ ઘટનાના પગલે મહેસાણા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહેસાણા LCB અને SOG સહિતની ટીમોએ તપાસમાં જંપલાવ્યું હતુ અને ઘટના સ્થળની આસપાસના તમામ CCTV ફૂટેજ ચેક કર્યાં હતા. જેમાં વેપારીને લૂંટવા આવેલા બે બાઈક સવારની કોઈ ગતિવિધિ જણાઈ નહતી.
એક CCTV ફૂટેજમાં ફરિયાદી રમેશભાઈ જાતે જ પોતાની પાસે રહેલા થેલાનો પટ્ટો કાપીને આંખમાં મરચું નાંખ્યા બાદ પોતાના હાથમાં ચપ્પુ મારતા કેદ થઈ ગયા હતા. આથી પોલીસે તેમની આગવી ઢબે પૂછપરછ કરતાં રમેશભાઈ ભાંગી પડ્યા હતા અને પોતે જ લૂંટની ઘટના ઊપજાવી કાઢી હોવાની કબૂલાત કરી હતી.
કેનેડા રહેતી પુત્રવધુના દાગીના વેચી નાંખ્યા હોવાથી લૂંટનું નાટક કર્યું
હકીકતમાં રમેશભાઈનો પુત્ર અને પુત્રવધુ હાલ કેનેડા રહે છે. તેમની પુત્રવધુના દાગીના લોકરમાં મૂકેલા હતા. જો કે પોતાને ધંધામાં નુકસાન જતાં તેમણે પુત્રવધુના દાગીના વેચી નાંખ્યા હતા.
થોડા દિવસોમાં પુત્રીનો શ્રીમંત પ્રસંગ હોવાથી પુત્ર-પુત્રવધુ કેનેડાથી વતન આવી રહ્યા હોવાથી પોતે દાગીના વેચી નાંખ્યા હોવાની વાત છૂપાવવા માટે આખું લૂંટનું નાટક રચ્યું હતુ.
