Mehsana News: મહેસાણા જિલ્લાના લાડોલ સ્થિત સુપ્રસિદ્ધ શક્તિપીઠ હરસિદ્ધિ માતા મંદિર ખાતે લાખો શ્રદ્ધાળુઓની અપાર આસ્થા જોડાયેલી છે. આ ભક્તિધામમાં ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસથી એક નવી અને ઐતિહાસિક પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં માતાજીને હવે સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવશે. દાતાઓના ઉમદા સહયોગથી આશરે સવા કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ ભવ્ય સુવર્ણ થાળ ચૈત્રી આઠમના દિવસે પ્રથમવાર માતાજીની સેવામાં અર્પણ થશે, જે લાડોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે.
લાડોલ ગામમાં બિરાજમાન મા હરસિદ્ધિ પ્રતિ ભક્તો અગાધ શ્રદ્ધા ધરાવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે અને આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે. લાડોલ મંદિરના આચાર્ય દ્વાર જણાવાયા અનુસાર ચૈત્રી નવરાત્રિની અષ્ટમી, એટલે કે ચૈત્ર સુદ આઠમના રોજ આ ઐતિહાસિક પરંપરાનો આરંભ થશે. આ દિવસે સાંજે 6 વાગ્યે વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ સાથે માતાજીને આ સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવાશે, જે ભક્તો માટે એક અવિસ્મરણીય અને ભક્તિમય ક્ષણ બની રહેશે.
હરસિદ્ધિધામમાં ભાવિક ભક્તો અને દાતાઓના ઉમદા સહયોગથી લગભગ 1.25 કરોડ રૂપિયાના ખર્ચે આ ભવ્ય સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે. આ સુવર્ણ થાળ દેવીની ભવ્યતા અને ભક્તિનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે, જે આગામી સમયમાં લાડોલ હરસિદ્ધિધામની શોભામાં અભિવૃદ્ધિ કરશે અને ભક્તોમાં વધુ શ્રદ્ધા જગાવશે.
લાડોલ મંદિરના આચાર્યએ વધુમાં જણાવ્યા અનુસાર, ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં અંબાજી અને બહુચરાજી ધામ બાદ લાડોલનું હરસિદ્ધિ માતા મંદિર ત્રીજું એવું શક્તિપીઠ બનશે જ્યાં માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરવાની પરંપરા શરૂ થશે.
સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરવાની આ પરંપરા શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાજા-મહારાજાઓના સમયની ભવ્ય પરંપરાને પુનર્જીવિત કરવાનો છે, જ્યારે દેવી-દેવતાઓને સુવર્ણ થાળમાં ભોગ અર્પણ કરવામાં આવતો હતો. આનાથી ભક્તિની સાથે સાથે ભવ્યતા અને ઐતિહાસિક મહત્ત્વ પણ પુનર્સ્થાપિત થશે તેમજ આધ્યાત્મિક વારસાનું જતન થશે.
ચૈત્રી આઠમના આ મહાસુવર્ણ અવસરના સાક્ષી બનવા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણનો લાભ લેવા અને મા હરસિદ્ધિના દર્શન કરવા રાજ્યભરમાંથી લાખો ભક્તો લાડોલના હરસિદ્ધિધામ ખાતે ઉમટી પડશે.
