અસુરોનો સંહાર કરવા માટે શ્રીકૃષ્ણે કરી હતી મા અંબાની પૂજા: જાણો શ્રી હરસિદ્ધિ માતા મંદિરનું મહાત્મ્ય, દર્શન અને આરતીનો સમય

શ્રી હરસિદ્ધિ માતા મંદિર પોરબંદરથી દ્વારકા જવાના રસ્તે 30 કિ.મી.ના અંતરે આવેલ છે. મિયાણી નામના સ્થળે આવેલા હર્ષદ માતા તરીકે પણ જાણીતું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 06:00 AM (IST)Updated: Sat, 10 Oct 2026 06:00 AM (IST)
harsiddhi-mata-temple-in-porbandar-history-darshan-and-aarti-timings-and-how-to-reach

Harsiddhi Mata Temple: પ્રાચીન સનાતન ધર્મમાં માતા અંબેને સૃષ્ટિના તમામ જીવોની માતા ગણવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ઘણા દેવી મંદિરો આવેલા છે. જ્યાં ભક્તો માતાજી સમક્ષ હાથ જોડીને પોતાના પરિવારની સુખ અને શાંતિની મનોકામના કરતા હોય છે. હવે નવરાત્રિનો પાવન તહેવાર આવી રહ્યો છે. એટલે રાજ્યના નાના-મોટા શક્તિપીઠો અને મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. આવા અનેક શક્તિપીઠો ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્થિત છે.

ઘણા મંદિરોનો ઇતિહાસ ઘણો પૌરાણિક હોય છે. આવું જ એક પૌરાણિક મહત્વ ધરાવતું મંદિર પોરબંદરથી દ્વારકા જતાં વચ્ચે આવે છે. અંદાજે 30 કિમીના અંતરે મિયાણી નામના સ્થળે આવેલું હરસિદ્ધી માતાનું મંદિર ઐતિહાસિક અને પુરાણકાલીન છે. આજે ગુજરાતી જાગરણ તેની મંદિરોની સિરીઝમાં શ્રી હરસિદ્ધિ માતા મંદિર મિયાણી વિશે માહિતી આપશે.

શ્રી હરસિદ્ધી માતા મંદિરનું મહાત્મ્ય

શ્રી હરસિદ્ધિ માતા મંદિર પોરબંદરથી દ્વારકા જવાના રસ્તે 30 કિ.મી.ના અંતરે આવેલ છે. મિયાણી નામના સ્થળે આવેલા હર્ષદ માતા તરીકે પણ જાણીતું છે. હરસિદ્ધી માતાજીનું મુખ્ય મંદિર દરિયા કાંઠે કોયલા નામના ડુંગર પર સ્થિત છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન હર્ષદ માતાજીની પૂજા અર્ચના કરી હતી. તેમજ આ મંદિર પણ ભગવાન શ્રીકૃષ્ણે બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે.

શ્રી હરસિદ્ધી માતા મંદિરનો ધાર્મિક ઇતિહાસ

પૌરાણિક કથાઓ મુજબ, ભગવાન શ્રી કૃષ્ણ અસુરો અને જરાસંઘને હરાવીને પોતે જીત મેળવવા માગતા હતા. આ કારણે શક્તિ માટે તેઓએ માતા અંબાની ઉપાસના કરી હતી. મા અંબાના આશીર્વાદથી તેઓએ અસુરોનો સંહાર કર્યો હતો. આ સફળતા બાદ ભગવાન શ્રીકૃષ્ણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મગધ નરેશ જરાસંઘના વધ બાદ તમામ યાદવોએ અહીં ઉજવણી કરી હતી. આ કારણથી જ તેમણે આ માતાને હરસિદ્ધિ માતા એટલે કે હર્ષદ માતા તરીકેનું નામ આપ્યું હતું. ત્યારથી યાદવકુળના કુળદેવી તરીકે હર્ષદ માતાની પૂજા કરવામાં આવે છે.

બીજી એક ધાર્મિક માન્યતા પ્રમાણે, કચ્છના જૈન વેપારી જગડુ શેઠ વહાણ લઈને જતા હતા. ત્યારે દરિયાકાંઠે જગડુ શેઠનું વહાણ ડૂબવા લાગ્યું હતું. આથી માતાને પ્રાર્થના કરતાં દરિયાકાંઠેથી માતાએ વહાણને ડૂબતું બચાવ્યું હતું. અને તે આ પહાડી પાસેનો જ દરિયા કિનારો હતો. હરસિદ્ધી માતાની કૃપા પામેલા જગડુ શેઠે ઈસ 1300માં હરસિદ્ધિ માતાનું હાલનું શિખરબંધ મંદિર બનાવડાવ્યું હતું. ત્યારથી ભક્તો માતાના દર્શન કરવા માટે અહીં આવે છે.

શ્રી હરસિદ્ધી માતા મંદિરનો દર્શન-આરતીનો સમય

  • દર્શનનો સમયઃ સવારે 9.00થી સાંજે 8.00
  • આરતીનો સમયઃ સવારે 9.30

શ્રી હરસિદ્ધી માતા મંદિર કેવી રીતે પહોંચવુઃ

  • સડકમાર્ગ: શ્રી હરસિદ્ધી મંદિર મિયાણી ખાતે જવા માટે ભક્તો પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા રાજકોટ-જેતપુર-પોરબંદર થઈને, વડોદરાથી વાયા તારાપુર ચોકડી-રાજકોટ થઈને જઈ શકે છે. તેમજ ભકતો જાહેર પરિવહનના વાહનો અને ખાનગી વાહનો દ્વારા સરળતાથી જઈ શકે છે.
  • રેલ્વે માર્ગ: માતાજીના મંદિરે જવા માટે ભક્તો ગુજરાતના કોઈ પણ મોટા શહેરથી ટ્રેન મારફતે માતાજીના દર્શન માટે જઈ શકે છે. આ મંદિરની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન દ્વારકા છે. જે મંદિરથી 64 કિમી દૂર સ્થિત છે.
  • હવાઈ માર્ગેઃ શ્રી હરસિદ્ધી માતા મંદિરની સૌથી નજીકનું એરપોર્ટ પોરબંદર છે. જે મંદિરથી લગભગ 45 કિ.મી દૂર આવેલુ છે.
  • શ્રી હરસિદ્ધી માતા મંદિરની આસપાસ ફરવાલાયક અને દર્શનીય સ્થળો

  • શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા
  • શ્રી માધવરાયજી મંદિર, ઘેડ માધવપુર
  • શ્રી સાંદિપની આશ્રમ, પોરબંદર
  • શ્રી નાગેશ્વર મહાદેવ, દારુકાવન