Wankaner Dhama ST Bus: સુરેન્દ્રનગર અને પાટડીના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ એસટી વિભાગના વાંકાનેર ડેપો દ્વારા આગામી 14 નવેમ્બર 2026ને લાભપંચમના શુભ અવસરથી વાંકાનેર ધામા નવીન એસટી પરિવહન સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે.આ સ્પેશિયલ બસ સેવા શરુ થવાથી ધામા ખાતે માં હરસિદ્ધિના દર્શનાર્થે જતાં હજારો શ્રદ્ધાળુઓ અને રુટ પરના વિવિધ ગામોના ગ્રામજનોને સીધો ફાયદો થશે. આ બસ બજાણા અને પાટડી સુધી જઈને ધામા જશે.
કયા રુટ પર દોડશે એસટી બસ
આ નવીન એસટી બસ વાંકાનેરથી ઉપડીને હળવદ અને ધ્રાંગધ્રા રુટ પર વાયા માથક, કડિયાણા, માલવણ, બજાણા, પાટડી, જૈનાબાદ, ઝીંઝુવાડા થઈને ધામા મુકામે પહોંચશે. આ રુટ પર આવતા તમામ નાના-મોટા ગામોના પ્રવાસીઓને હવે સુવિધાયુક્ત એસટી પરિવહનનો લાભ મળશે.
ધામા માટે શરુ કરાઈ બસ
ધામા ખાતે ક્ષત્રિય સમાજના કુળદેવી માં હરસિદ્ધિનું મંદિર આવલું છે. જ્યાં દર્શનાર્થીઓ દર્શન માટે જાય છે. આ બસ વાંકાનેર ડેપોથી દરરોજ બપોરે 2.00 વાગ્યે ઉપડશે. સાંજે 6.15 વાગ્યે ધામા પહોંચશે. બસ સાંજે 6.15 વાગ્યે પહોંચતી હોવાથી શ્રદ્ધાળુઓ મા હરસિદ્ધિની સાંજની આરતીમાં હાજરી આપી શખશે. રાત્રિ દરમિયાન ધામા ખાતે નાઇટ હોલ્ટ કરીને સવારની આરતી બાદ વાંકાનેર પાછી ફરશે.
બસ સેવા શરુ થવાથી લોકોને ફાયદો
વાંકાનેર ડેપો દ્વારા વાંકાનેર-ધામા નવી એસટી બસ સેવા શરુ કરવામાં આવતાં ધામા દર્શન કરવા માટે જતાં શ્રદ્ધાળુઓ અને લોકોને ઘણો ફાયદો થશે, જેમાં ખાસ કરીને, હળવદ અને ધ્રાંગધ્રા રુટ પરથી લોકોને આ સેવા મળવાથી તેઓ બજાણા અને પાટડી સુધી જઈ શકશે.
