Mehsana: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામમાં બાઈકનું હોર્ન મારવા મુદ્દે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં બે જૂથના ટોળાએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં DySp સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કમાણા દોડી આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિસનગરથી આઠેક કિલોમીટર દૂર આવેલા કમાણા ગામમાં આજે બપોર બાદ બાઈકને હોર્ન મારવા બાબતે બે લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
આ દરમિયાન ગામમાં આવેલી વાડી તેમજ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં વિસનગર DySp ઉપરાંત મહેસાણા LCB, SOG સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો કમાણા દોડી આવ્યો હતો. જ્યાં ટીયર ગેસના બે સેલ છોડીને તોફાનીઓના ટોળાને વિખેર્યા હતા.
આ મામલે પોલીસે 6 જેટલા ઈસમોને રાઉન્ડઅપ કર્યા છે. હાલ તો કમાણા ગામમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસ કમાણા ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
