Mehsana: મંડાલીમાં ઢાળ પર રગડેલી ક્રેન વીજલાઈનને ભટકાતા કરંટ ઉતર્યો, ધક્કો મારી રહેલા 8 કામદારો ચોંટ્યા; 2ના મોત

કરંટ લાગતા એક પછી એક પરપ્રાંતીય કામદારો ઉછળીને નીચે પટકાયા. મોતને ભેટેલ સિક્યુરિટી ગાર્ડ અમિત આર્યના પિતા પણ નજીકની ફેક્ટરીમાં કામ પર હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Sep 2025 05:11 PM (IST)Updated: Tue, 16 Sep 2025 05:11 PM (IST)
mehsana-news-electric-shock-in-fab-hind-company-2-killed-and-6-injured
HIGHLIGHTS
  • મંડાલી ગામની ફેબ હિન્દ કંપનીમાં બેદરકારીના કારણે દુર્ઘટના
  • કંપનીનો સિક્યુરિટી ગાર્ડ અને ક્રેન ઑપરેટરનું ઘટના સ્થળે જ મોત

Mehsana: અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલા મંડાલી ગામે ફેબ હિન્દ કંપનીમાં બે દિવસ પહેલા મોટી બેદરકારીના કારણે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બેકાબુ બનેલી ક્રેન ઉપરથી પસાર થઈ રહેલા 11000 વૉલ્ટની વીજ લાઈનને અડી જતાં તેમાંથી કરંટ પસાર થયો હતો. જેના કારણે 8 લોકો ચોંટી ગયા હતા, જે પૈકી બેના મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલ મંડાલી ગામ સ્થિત ફેબ હિન્દ કંપનીમાં વ્હીકલ મેઈન્ટેનેન્સનું કામ કરવામાં આવી રહ્યું હતુ. આ દરમિયાન 4 વાગ્યાની આસપાસ કંપનીમાં રહેલી ક્રેન ઢાળ ઉપર રગડવા લાગી હતી.

આથી કંપનીના કામદારો દોડ્યા હતા અને ક્રેનને ધક્કા મારી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ક્રેનમાં ઉંચાઈ પર રહેલ બકેટ કંપનીમાં રહેલ વીજલાઈન સાથે અથડાતા વીજળીનો પ્રવાહ ક્રેનમાં પ્રસર્યો હતો. જેના કારણે ક્રેનને ધક્કો મારી રહેલા 8 જેટલા કામદારોને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. જેના કારણે એક પછી એક કામદારો ઉછળીને નીચે પટકાયા હતા.

આ ઘટનામાં ક્રેન ઑપરેટર અને સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી લાંઘણજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. તેમજ બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ સિક્યુરિટી ગાર્ડ અમિત આર્ય (રહે. મધ્ય પ્રદેશ) અને ક્રેન ઑપરેટર અભિમન્યુ મહંતો (રહે. બિહાર) તરીકે થઈ છે. જે પૈકી અમિતના પિતા પણ નજીકમાં આવેલી અન્ય કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.

જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ દિપક ચૌધરી, મીતરંજનકુમાર ચૌહાણ, રાહુલકુમાર પટેલ, રાહુલ ચૌહાણ (તમામ રહે. બિહાર), સનૌજકુમાર રાજભર અને બિકીસિંહ ચૌધરી (બન્ને રહે. ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે.