Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક ગામમાં સબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત મહિલાએ પોતાના સગા દિયર વિરુદ્ધ લાડોલ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.
રિક્ષાચાલક મોટાભાઈ ધંધાર્થે જતાં દિયર ભાભીમાં રૂમમાં ઘુસતો
વિજાપુર તાલુકાના એક ગામમાં રહેતી 46 વર્ષીય પરિણીતાએ લાડોલ પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે પોતાના રિક્ષાચાલક પતિ સાથે બે માળના મકાના ઉપરના માળે રહે છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર તેના સાસુ અને દિયર રહે છે.
આ પણ વાંચો
તેનો પતિ સવારે રિક્ષા લઈને ધંધાર્થે જાય, ત્યારે જ નીચે રહેતો દિયર પોતાની પર નજર બગાડતો હતો. દિયર અવારનવાર ઉપર આવી ચડતો અને એકલતાનો લાભ લઈને ભાભીના રૂમમાં ઘૂસીને શારીરિક અડપલાં કરતો હતો.
સાસુએ દિયરનું ઉપરાણું લઈ ઘરમાં જ વાત દબાવી દેવા કહ્યું
દિયરનો દિન-પ્રતિદિન ત્રાસ વધી જતાં મહિલાએ પોતાની સાસુને ફરિયાદ કરી હતી. જો કે સાસુએ પુત્રને ઠપકો આપવાની જગ્યાએ તેનો ઉપરાણું લીધુ હતુ. તેમજ ઘરની વાતને ઘરમાં જ દબાવી દેવા સમજાવી હતી. આખરે કંટાળીને મહિલાએ પોતાના પતિ સમક્ષ ફરિયાદ કરી હતી.
આવેશમાં આવેલા દિયરે ભાઈ-ભાભીને મારવા પાછળ દોટ મૂકી
પત્નીની આપવીતી સાંભળી પતિ પોતાના નાનાભાઈને ઠપકો આપવા માટે નીચે ગયો હતો. આ સમયે અચાનક દિયર ઉશ્કેરાઈ ગયો હતો અને ભાઈ-ભાભીને મારવા માટે પાછળ દોડ્યો હતો. જો કે દંપતીએ ઉપરના માળે જઈ રુમનો દરવાજો બંધ કરી દેતા, દિયર જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.
આખરે આ મામલે પતિએ હિંમત આપતા મહિલાએ લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના દિયર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
