Mehsana News: કારતક સુદ પુનમના દિવસે શ્રી મોઢેશ્વર માતાજી મંદિરથી લઈ શક્તિપીઠ તીર્થ શ્રી બહુચરાજી માતાજી મંદિર સુધીના અંદાજીત 15 કી.મી. ના યાત્રામાર્ગ પર ભાવિક ભક્તો દ્વારા વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે મોઢેરાથી બહુચરાજી નવા પદયાત્રા માર્ગ ઉપર ભક્તિ શક્તિ પદયાત્રાની શરૂઆત દેવ દિવાળીના દિવસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરાવશે. આ પદયાત્રાનો હેતુ શક્તિપીઠ તીર્થ બહુચરાજી અને માતંગી તીર્થ શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર મોઢેરા આ બન્ને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો વચ્ચે ભક્તિનો સેતુ રચવાનો અને તેના મારફતે જન જનના મનમાં શક્તિ અને ભક્તિનો સંચાર કરવાનો છે.
27 નવેમ્બરથી પદયાત્રાનો પ્રારંભ થશે
આ શુભ પ્રસંગે સી.આર. પાટીલ, સાંસદ અને અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, ઋષિકેશ પટેલ, મંત્રી (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો), બળવંતસિંહ રાજપૂત, મંત્રી (ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર) તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આ પદયાત્રાનો શુભારંભ તારીખ 27 નવેમ્બર 2023 દેવ દિવાળીના દિવસે સવારે 9:30 કલાકે શ્રી મોઢેશ્વરી મંદિર મોઢેરા ખાતેથી થશે.
આ પદયાત્રા સુખદ અને સલામત બની રહે એ હેતુથી રાજ્યના માન.મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા તા.23 નવેમ્બરના રોજ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું તથા સ્થળ મુલાકાત લઈને ટૂંકા ગાળાના આયોજનના ભાગરૂપે રસ્તાની આજુબાજુમાં સાફ સફાઈ, સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થા સમીક્ષા કરવામાં આવી હતી. ભવિષ્યના લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે પગદંડી બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેમાં માટીકામ, બન્ને બાજુ વૃક્ષારોપણ, સાઈનબોર્ડ જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જનતાજનાર્દનને સંસ્કૃતિ, શ્રદ્ધા અને શક્તિ-ભક્તિના ઉત્સવ સમાન આ પદયાત્રામાં જોડાવા આહવાહન કર્યુ છે અને ભવિષ્યમાં આ પદયાત્રા પ્રત્યેક પૂનમે યોજાય તેવી એક પરંપરા બને એવી માતાજીના ચરણોમાં અભ્યર્થના કરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.