Mehsana: અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતા દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થયેલી બાળકીનો મૃતદેહ 25 દિવસે કેલિફોર્નિયા બીચ પરથી મળ્યો

વિજાપુર તાલુકાના આનંદપુરાના પટેલ પરિવારના 4 સભ્યો બોટની મદદથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતા હતા, ત્યારે દરિયાનું મોટું મોજું આવતા તેમની બોટ પલટી ગઈ હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Jun 2025 06:52 PM (IST)Updated: Sun, 01 Jun 2025 06:52 PM (IST)
mehsana-news-anandpura-patel-family-daughter-deadbody-found-at-california-beach
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પ્રિન્સ પટેલની લાશ મળી હતી, જ્યારે બ્રિજેશ પટેલ હાલ કોમામાં

Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામના પટેલ પરિવારની અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાની કોશિશ કરુણાંતિકામાં પરિણમી હતી. જેમાં આજથી 25 દિવસ પહેલા મેક્સિકોથી અમેરિકા જવા નીકળેલા પરિવારની બોટમાં પલટી ગઈ હતી. જેમાં પુત્રનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતુ. જ્યારે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલી પુત્રીનો મૃતદેહ 25 દિવસ બાદ કેલિફોર્નિયાના બીચ પરથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે.

હકીકતમાં આજથી 25 દિવસ પહેલા મૂળ આનંદપુરા ગામના વતની અને કામ સબબ અમદાવાદ રહેતા બ્રિજેશ પટેલ, પત્ની જાગૃતિબેન, પુત્ર પ્રિન્સ અને 10 વર્ષની દીકરી માહી પટેલ સાથે બોટ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહ્યા હતા. આ સમયે સેન ડિએગોના કિનારે પહોંચ્યા, ત્યારે દરિયામાં આવેલા મોજાના કારણે તેમની બોટ પાણીમાં પલટી ગઈ હતી.

જેના પરિણામે માતા-પિતા અને બન્ને સંતાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં પ્રિન્સનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જ્યારે બ્રિજેશભાઈ અને જાગૃતિબેનને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બ્રિજેશ પટેલની હાલત ગંભીર અને હાલ તેઓ કોમામાં છે.

જો કે તે સમયે ભારે શોધખોળ છતાં માહીનો મૃતદેહ મળ્યો નહતો. એવામાં ગઈકાલે કેલિફોર્નિયાના બીચ પરથી માહીનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.