Mehsana: વિજાપુરમાં જર્જરિત મકાનની દીવાલ ધસી પડી, કાટમાળ હેઠળ 6 દટાયા; 3ના મોતઃ જુઓ VIDEO

સુંદરપુરા ગામમાં જૂનું મકાન તોડી પાડીને નવું મકાન બાંધવા માટે કામકાજ ચાલતું હતુ, ત્યારે જ અચાનક દીવાલ ધસી પડતા ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 May 2025 06:45 PM (IST)Updated: Fri, 23 May 2025 06:45 PM (IST)
mehsana-news-3-dead-due-to-wall-collapse-in-sundarpura-village-of-vijapur
HIGHLIGHTS
  • 3 ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ, એકની હાલત નાજુક

Mehsana: ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં જર્જરિત મકાનની દીવાલ અચાનક ધસી પડતાં 6 જેટલા લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. જે પૈકી 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામના મહાદેવ મંદિર નજીક રહેતા અશ્વિન પટેલનું જૂનું મકાન પાડીને નવું બનાવવા માટેની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જર્જરિત દીવાલ અચાનક ધસી પડતા તેના કાટમાળ હેઠળ 6 જેટલા લોકો દટાઈ ગયા હતા.

આ બાબતની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા. જે બાદ સ્થાનિક તંત્રની ટીમ પણ JCB લઈને સુંદરપુરા ગામે પહોંચી ગઈ હતી. જ્યાં કાટમાળ ખસેડીને એક પછી એક તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી 3 લોકોના મોત નીપજ્યા હોવાનું માલૂમ પડ્યું હતુ.

આ ઘટનામાં મૃતકોની ઓળખ રણજીત ઠાકોર (40), બાબુ ભૂરિયા (45) બન્ને રહે. જૂના ફૂદેડા અને જીતેન્દ્ર ચૌહાણ (25, રહે. સરદારપુરા) તરીકે થઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ પટેલ હરેશ (45) અને કિશોરી કમલેશભાઈ અને ચંદ્રિકાબેન તરીકે થઈ છે. હાલ આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં એકની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.