Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ભરવામાં આવતી ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધુ 6 મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હકીકતમાં ઈમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત 21 હજારથી વધુ અરજીઓનો નિકાલ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 258 કરોડની જંગી આવક થઈ છે. જો કે હજુ 10 હજારથી વધુ અરજીએ પેન્ડિંગ હોવાથી ઈમ્પેક્ટ ફી ભરવાની મર્યાદાને વધારે 6 મહિના લંબાવામાં આવી છે.
ઈમ્પેક્ટ ફીના નવા સુધારા સાથેના વટહુકમ બાદ અમદાવાદ શહેરના તમામ સાત ઝોનમાં મળીને કુલ 75,973 અરજીઓ મળી હતી. જે પૈકી 21,651 અરજી મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 44,191 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.
આ મામલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, જે અરજીઓ નામંજૂર કરવામાં આવી છે, તેમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને બાદ કરતાં અન્ય બિનઅધિકૃત બાંધકામ કાયદેસર થઈ શકે, તેમ હોય તો અરજી કરનારને જાણ કરીને જરૂરી પુરાવા મેળવી ઈમ્પેક્ટ ફી વસુલવાની સૂચના આપવામાં આવી છે.
