Mehsana: મહેસાણા-બહુચરાજી હાઈવે પર આવેલા સામેત્રા ગામ નજીક APN સલ્ફર પ્લાન્ટના અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં કામ કરી રહેલા બે શ્રમિકો જીવતા ભડથું થઈ ગયા છે, જ્યારે અન્ય બે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સામેત્રા ગામ નજીક APN સલ્ફર પ્લાન્ટમાં ગઈકાલે મોડી રાતે અગમ્યકારણોસર આગ ભડકતા અફરાતફરી મચી ગઈ હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા શ્રમિકો પણ લપેટામાં આવી ગયા હતા.
આ બાબતે કૉલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્લફર પ્લાન્ટમાં જવા રવાના થઈ હતી. જો કે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચે, તે પહેલા જ કંપનીના કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આગ સંપૂર્ણ ઓલવાઈ ગયા બાદ પ્લાન્ટમાં તપાસ કરતાં બે શ્રમિકોના ભડથું થઈ ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા. જેમની ઓળખ ફૂલચંદ અને મનિષ તરીકે થઈ છે. જ્યારે અન્ય બે શ્રમિકો પણ દાઝ્યા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
